Connect Gujarat
ગુજરાત

ભાવનગર : માંડવી ગામે ચકલી બચાવો અભિયાન અંતર્ગત "કર્તવ્ય પંખી આશરો" કાર્યક્રમ યોજાયો

પક્ષીને આશરો મળે અને તેની આંતરડી ઠરે અને લુપ્ત થતું પક્ષી ચકલી બચે તે હેતુ મુખ્ય રહ્યો છે

ભાવનગર : માંડવી ગામે ચકલી બચાવો અભિયાન અંતર્ગત કર્તવ્ય પંખી આશરો કાર્યક્રમ યોજાયો
X

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે કર્તવ્ય ગૌ સેવા ગૃપ-સુરત દ્વારા દિવાળીના વેકેશનને સેવા વેકેશનમાં પરિવર્તિત કરતાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત કર્તવ્ય પંખી આશરો નામક એક જીવદયાનું સેવા કાર્ય આદરવામાં આવ્યું હતું.

આ સેવામાં ગામના સેવાભાવી દાતાઓ તથા ગામના નવયુવાનો દ્વારા ગામમાં યોગ્ય જગ્યાએ ચકલીના માળા, ચણપાત્ર તથા પંખીને પીવા માટે પાણીના કુંડા બાંધી એક અનોખા સેવાકાર્યની શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કર્તવ્ય ગૌ સેવા ગૃપના યુવાનો સુરતની અંદર પ્રેરણા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળી ખૂબ સરસ ગૌ સેવા પણ કરે છે. હંમેશા સેવા માટે તત્પર આ યુવાનો દ્વારા વેકેશનમાં પોતાના માદરે વતનમાં એક સરસ સેવા કાર્ય થાય અને પક્ષીને આશરો મળે અને તેની આંતરડી ઠરે અને લુપ્ત થતું પક્ષી ચકલી બચે તે હેતુ મુખ્ય રહ્યો છે. આપણી બદલાયેલી જીવનશૈલીને કારણે તથા બદલાયેલી કૃષિ પદ્ધતિને કારણે લીધે પક્ષીઓની સામાન્ય રીતે જોવા મળતી પ્રજાતિઓ લુપ્ત થવા માંડી છે, ત્યારે તેને બચાવવા માટેના પ્રયત્ન કરવા આવશ્યક છે. જો તેમ થશે તો જ પ્રકૃતિની સમતુલા જાળવી શકાશે. દરેક ગામમાં આવું જીવદયાનું સેવા કાર્ય થાય તેવી કર્તવ્ય ગૌ સેવા ગૃપે સૌને અપીલ કરવામાં આવી છે.

Next Story