Connect Gujarat
ગુજરાત

સુરત : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં પીડિતોને રાહત આપવા જનજાતિ સુરક્ષા મંચની માંગ

સુરત : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં પીડિતોને રાહત આપવા જનજાતિ સુરક્ષા મંચની માંગ
X

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે સુરત જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ SITની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, ત્યારે ઘટનામાં કસુરવાર આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાય તેમજ ભોગ બનનારાઓને આવાસ સહિત મૃત્યુ પામેલ લોકોના પરિવારને સરકારી નોકરી આપવા અંગે રાષ્ટ્રપતિને ઉદેશીને સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણી બાદ અનેક જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી હતી. જેના કારણે કેટલાક લોકો પલાયન કરી ગયા હતા. અસામાજિક તત્વો દ્વારા કેટલાક લોકોના ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે લોકો બેઘર બની જંગલ વિસ્તારમાં હિજરત કરી ગયા હતા, જ્યારે કેટલીક મહિલાઓ પર દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની તઠસ્થ તપાસની માંગ સુરત જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવી છે. જેના અનુસાધનમાં ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સુરત જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આ મામલે સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ એક ખાસ SITની રચના કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ પાસે અપીલ કરવામાં આવી છે. જે ઘટનામાં યોગ્ય તપાસ કરી કસુરવારો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. સુરત જિલ્લા જનજાતિ સુરક્ષા મંચના અગ્રણીએ જણાવ્યું છે કે, આ ઘટનામાં જિલ્લાઓમાંથી હિજરત કરી ગયેલા લોકોના ઘરો હિંસામાં સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં SC/ST વર્ગના લોકો પણ હતા. મહિલાઓ સાથે હિંસામાં સામેલ લોકો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, ત્યારે આવા લોકો સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે લોકો બેઘર બન્યા છે, તે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત સાથે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવેદન પત્ર પાઠવાયુ હતું.

Next Story