Connect Gujarat
ગુજરાત

સુરત: પાંડેસરા હાઉસિંગ બોર્ડના મકાન સીલ કરાવવા તંત્રની ટીમ પહોંચી

સુરતમાં મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ, લોકોએ વિરોધ નોધાવ્યો, સામા ચોમાસે જવું ક્યાં એ મોટો પ્રશ્ન

X

સુરતના પાંડેસરા હાઉસિંગ બોર્ડના મકાનોને પોલીસ સ્ટાફ સાથે મહાનગર પાલિકાની ટીમ સીલ કરવા પહોંચતા લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો. સામા ચોમાસે તંત્રની કામગીરી સામે લોકોએ વિરોધ નોધાવ્યો હતો.

સુરત શહેરમાં અનેક જર્જરિત મિલકતો જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન ભયજનક ઇમારતો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સુરત કોર્પોરેશન દ્વારા પાંડેસરા એલઆઈજી આવાસમાં રહેતા રહીશોને મકાન અને દુકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો ઘણો સમય પસાર થઇ ગયા બાદ પણ રહીશોએ મિલકત ખાલી ન કરતાં કોર્પોરેશનના ટીમના અધિકારીઓએ આજે મકાનો અને દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરી દેતા રહીશોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. રહિશોએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ક્યાં જવું, ચોમાસાનો સમય પસાર થઈ જવા માટે અધિકારીઓને સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી. સ્થિતિ વધુ વણશે તે પહેલાં કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસને ઘટનાની જાણ કરી હતી, ત્યારબાદ પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

અધિકારીઓના કહેવા મુજબ ચોમાસા દરમિયાન જર્જરિત આવાસો ભયજનક સ્થિતિમાં હોય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે અને તે માટે તેને તાત્કાલિક અસરથી ખાલી કરવા જરૂરી છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક મકાનો અને દુકાનોને સીલ કરતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.

Next Story