Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સુરેન્દ્રનગરનાં કોળી સમાજના આગેવાન તેમજ ભાજપના અગ્રણીનું રહસ્યમય મોત

ગાંધીનગર: સુરેન્દ્રનગરનાં કોળી સમાજના આગેવાન તેમજ ભાજપના અગ્રણીનું રહસ્યમય મોત
X

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કોળી સમાજના આગેવાન અને ભાજપ તરફી ધારાસભ્યની ચૂંટણી 2017માં લડી કોંગ્રેસના રૂત્વીજભાઇ મકવાણા સામેં પરાજિત થયેલા જીણાભાઈ ડેરવાડિયાનું નિધન થતા ચોટીલા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. ગુજરાતનાં પાટનગર ગાંધીનગર ખાતે નિધન થયાનું સામે આવ્યું. તેઓ છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર ચંદ્રાલ ચોકડી નજીક એક હોટલમાં રહેતા હોવાની ચર્ચાઓની સાથે આર્થિક લેતીદેતીના મામલે આત્મઘાતી પગલું ભર્યા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. તેઓ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ખુબ નજીક હોવાનું માનવામાં આવે છે અને મંત્રી કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં એમનો સિંહફાળો હોવાનું ચોટીલા પથંકમાં ચર્ચાઇ રહ્યું છે. તેઓ ભાજપના કાર્યકર્તા હોવાની સાથે 2017માં સીધી વિધાનસભાની ચૂંટણી લડી હાલના ધારાસભ્ય રૂત્વીજ મકવાણા સામે ચૂંટણી હાર્યા હતા.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર ચોટીલાના ઝીણાભાઈ નાઝાભાઈ ડેડવારિયા ગઈકાલે ગાંધીનગર આવ્યા હતા અને ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા છાલા પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ પડી ગઈ હોવાથી તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો. થોડીવાર પછી હોટલનો કર્મચારી તેમને જમવાનું આપવા ગયો હતો. એ વખતે ઝીણાભાઈના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. એને પગલે તેણે બૂમાબૂમ કરીને હોટલના અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતા. બાદમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

હોસ્પિટલના ફરજ પરના તબીબે ઝીણાભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલના આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા, જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ચિલોડા પોલીસ મથકના જમાદાર મનીષભાઇ સિવિલ દોડી ગયા હતા અને મૃતકનાં પરિવારજનોને પણ સિવિલ બોલાવી લેવામાં આવ્યા હતા. વર્ષ 2017માં ઝીણાભાઈ ભાજપા તરફથી ધારાસભ્યની ચૂંટણી લડયા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.

ગઈકાલે પોતાના વિસ્તારની રજૂઆત માટે તેઓ ગાંધીનગર આવ્યા હતા અને આજે સવારે સારવાર દરમિયાન અટેક આવતાં તેમનું મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. મૃતકના સગાની પૂછપરછ કર્યા બાદ તેમજ પીએમ રિપોર્ટ આવ્યા પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

Next Story