Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડીના રાજ મહેલમાં તસ્કરોનો હાથફેરો, 56 કિલો ચાંદી સહિત એન્ટિક ચીજવસ્તુની ચોરી…

રાજવી પરિવારના દિગ ભવન પેલેસમાંથી તા. 16થી 26 ફેબ્રુઆરી વચ્ચે ગ્રાઉન્ડ ફ્લોર પરની બારીની લોખંડની જાળી તીક્ષ્ણ હથિયાર વડે કાપીને ચોર ટોળકી મહેલમાં દાખલ થઈ હતી.

સુરેન્દ્રનગર : લીંબડીના રાજ મહેલમાં તસ્કરોનો હાથફેરો, 56 કિલો ચાંદી સહિત એન્ટિક ચીજવસ્તુની ચોરી…
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્ટેટના રાજવી પરિવારના દિગ ભવન પેલેસમાંથી તા. 16થી 26 ફેબ્રુઆરી વચ્ચે ગ્રાઉન્ડ ફ્લોર પરની બારીની લોખંડની જાળી તીક્ષ્ણ હથિયાર વડે કાપીને ચોર ટોળકી મહેલમાં દાખલ થઈ હતી. તસ્કરોએ પેલેસના પ્રથમ અને બીજા માળે દસેક જેટલા સ્ટોર રૂમના તાળાં તોડી નાંખ્યા હતા. અલગ-અલગ સ્ટોરમાં રાખેલી વસ્તુ ફંફોળીને સામાનને અસ્ત-વ્યસ્ત કરી નાંખ્યો હતો. મહેલના બીજા માળે સ્ટોર રૂમમાં પતરાની 4 પેટીમાંથી 56 કિલો 150 ગ્રામ ચાંદીની 45 ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. સાથે રાજમાતાના સમયના 2 રેડિયો, હાર્મોનિયમ અને બેન્જો જેવી એન્ટિક ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કર ટોળકી નાસી છૂટી હતી.

સમગ્ર બનાવ અંગે મહેલમાં કામ કરતી મહિલાએ તૂટેલી બારી જોઈને કશું બન્યું હોવાનું લીંબડી સ્ટેટ જયદીપસિંહ ઝાલાને જણાવ્યું હતું. લીંબડી સ્ટેટની સ્કૂલનું સંચાલન કરતા નટુભા ઝાલાએ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી સી.પી.મુંધવાની સુચનાને ધ્યાનમાં રાખીને પીએસઆઈ વી.એન.ચૌધરી ટીમ ડોગ સ્કવોર્ડ સાથે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જોકે, રાજ મહેલમાં આવતું કોઈ જાણભેદુ જ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસે અનુમાન લગાડ્યું છે.

Next Story