Connect Gujarat
ગુજરાત

વડોદરા : સમલાયા ઓવર બ્રિજનું રૂ. 40.33 કરોડના ખર્ચે નિર્માણ, રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

વડોદરા : સમલાયા ઓવર બ્રિજનું રૂ. 40.33 કરોડના ખર્ચે નિર્માણ, રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
X

રાજ્ય સરકારના ફાટકમુક્ત અભિયાનના પરિચાયક આ ઓવરબ્રિજથી વાહનનો ટ્રેન પસાર થવાની રાહ જોવામાથી રાહત મળશે.

માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ સાવલી તાલુકાના જરોદ પાસે સમલાયા ખાતે રૂ. ૪૦.૩૩ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજ રાજ્ય સરકારની ફાટક મુક્ત ગુજરાત અભિયાન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગુજરાત સરકાર દ્વારા "ફાટક મુકત અભિયાન'' અંતર્ગત હેઠળ વિવિધ રેલ્વે ક્રોસીંગ કે જે ૧.૦૦ લાખ કરતા વધારે ટીવીયુ ધરાવતા રેલ્વે ક્રોસીંગ છે તેના પર રેલવે ઓવરબ્રિજ બાંધકામને મંજુરી આપવામાં આવી છે. જેથી વાહનવ્યવહારમાં સુગમતા રહે અને જાનમાલને કોઈ નુકશાન પહોંચે નહી.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે જરોદ સમલાયા સાવલી રાજય ધોરી માર્ગ પર સમલાયા નજીક રેલ્વે લાઈન ઓળંગી શકાય તે માટે ૫૦ – ૫૦ ટકા કોસ્ટ શેરીંગ હેઠળ મુખ્ય રેલ્વે પોર્શન પર આર.ઓ.બી.નું બાંધકામ રેલ્વે વિભાગ દ્વારા તથા જરોદ અને સાવલી તરફના એપ્રોચીસના બાંધકામની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હતી. આ આર.ઓ.બી. પરથી પંચમહાલ જિલ્લાના પ્રવાસનનું સ્થળ પાવાગઢ તેમજ છોટાઉદેપુર જિલ્લાને જોડતો મહત્વનો રાજય ધોરી માર્ગ હોવાથી આ આર.ઓ.બી.ના બાંધકામથી ઉકત જિલ્લાઓને લાંબ અંતર ન કાપતા વાહન વ્યવહારમાં સુગમતા રહેશે તેમજ આ રસ્તો સાવલી ડેસર તાલુકાને વાધોડીયા તાલુકા તથા હાલોલ અને ડભોઈ તાલુકાને જોડતો અગત્યનો રસ્તો છે.

આ આર.ઓ.બી.ના બાંધકામથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા ખાતે જી.આઈ.ડી.સી. તથા સાવલી તાલુકા ખાતે જી.આઈ.ડી.સી. જેવા ઔદ્યોગીક વિસ્તારોમાંથી પરિવહન થતા માલસામાન તથા ભારે વાહનોના ઓછા સમયમાં પરિવહન થઈ શકશે . સમલાયા જંકશન ખાતે ઉત્તર ભારતના રાજયોમાંથી અનેક રેઈલ ગાડીઓ દ્વારા પેસેન્જર– માલ પરિવહન થતી હોવાને કારણે વારંવાર ફાટક બંધ રહેવાથી રસ્તાની બન્ને બાજુએ ખુબજ માત્રામાં લાંબી વાહનોની કતાર ઉભી થાય છે અને વાહનવ્યવહાર ધીમો થવા પામે છે . જેના લીધે ખુબ જ મોટા પ્રમાણમાં ઈંધણનો વ્યય થાય છે . આમ, આર.ઓ.બી.ના બાંધકામથી વાહનવ્યવહારમાં સુગમતા તથા સમય અને ઈંધણની બચત થનાર છે . સદર આર.ઓ.બી.માં રેલ્વે પોર્શન ( ૨૧૬ મીટર ) અને બન્ને તરફના એપ્રોચીસ ( ૨૨૦ + ૨૭૦ મીટર ) સાથે કુલ : ૭૦૬ મીટર લંબાઈ તથા ૮.૪૦ મીટર પહોળાઈનો બાંધવામાં આવી છે. આ ઓવરબ્રિજ માટે રૂ. ૪૦.૩૩ કરોડના ખર્ચની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ વેળાએ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story