Connect Gujarat
ગુજરાત

વલસાડ : વાપી નગરપાલિકામાં ભાજપનો ભગવો પણ કોંગ્રેસની બેઠકો વધી

વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકામાં 44માંથી 37 બેઠકો પર વિજય મેળવી ભાજપે સત્તા ટકાવી રાખી છે જ્યારે કોંગ્રેસને 7 બેઠકો પર જીત મેળવી

વલસાડ : વાપી નગરપાલિકામાં ભાજપનો ભગવો પણ કોંગ્રેસની બેઠકો વધી
X

વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકામાં 44માંથી 37 બેઠકો પર વિજય મેળવી ભાજપે સત્તા ટકાવી રાખી છે પણ કોંગ્રેસને ગત ટર્મ કરતાં ચાર બેઠકો વધારે મળી છે. વાપી પાલિકામાં આમ આદમી પાર્ટી વિજયનું ખાતુ ખોલાવી શકી નથી. વલસાડની વાપી નગરપાલિકામાં ભાજપ સત્તા ટકાવી રાખવામાં સફળ રહયું છે. નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચુંટણીની જાહેરાત કરવામાં આવી હતી. એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થતાં રવિવારના રોજ 43 બેઠકો માટે મતદાન કરાવવામાં આવ્યું હતું.


રવિવારના રોજ સરેરાશ 52 ટકા મતદાન નોંધાયું હતું. મંગળવારના રોજ મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. 44માંથી 37 બેઠકો પર વિજય સાથે ભાજપે વાપી પાલિકામાં ભગવો લહેરાવ્યો છે. ગત ટર્મમાં કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી હતી પણ આ વખતે ચાર બેઠકનો ફાયદો થયો છે. 22 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારનાર આપનો એકપણ ઉમેદવાર જીત મેળવી શક્યો નથી. વોર્ડ નંબર 5માંથી ચૂંટણી લડનાર શહેર ભાજપના મહામંત્રીએ હારનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 5 અને 6ને બાદ કરતા બાકીના તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસની પેનલ એકમાત્ર વોર્ડ નંબર 6માં આવી છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના 3 અને ભાજપના એક ઉમેદવારનો વિજય થયો છે.

Next Story