Connect Gujarat
ગુજરાત

વલસાડ : કારકુનથી કલેક્ટર સુધીની સફર પૂરી કરનાર જિલ્લા કલેક્ટર આર.આર.રાવલનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

વલસાડ : કારકુનથી કલેક્ટર સુધીની સફર પૂરી કરનાર જિલ્લા કલેક્ટર આર.આર.રાવલનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો
X

વલસાડ જિલ્લામાં ગત તા. ૩૦મી જૂને વયનિવૃત્ત થયેલા વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલનો નિવૃત્તિ વિદાય સમારોહ તીથલ ખાતેના સ્‍વામિનારાયણના મંદિરના પટાંગણમાં યોજાયો હતો.

આ સમારોહમાં પ્રારંભમાં કલેકટર કચેરીના વર્ગ-૪ના કર્મચારીના સંવેદનશીલ વકતવ્‍યથી બધાને કલેકટરનો પરિચય આપતાં કલેકટરની કર્તવ્‍યનિષ્‍ઠા અને વહીવટી દક્ષતાની વાતો તેમની વાણીમાં કરી હતી. સરકારમાં ૩૩ વર્ષની લાંબી સેવાઓ આપી વયનિવૃત્ત થયેલા વલસાડ કલેકટર આર.આર.રાવલે આ અવસરે તેમના પ્રતિભાવમાં જણાવ્‍યું હતું કે, સ્‍વામીનારાયણ મંદિરના આ પટાંગણમાં મારા વિદાય સમારોહમાં જે બધાએ મારા પ્રત્‍યે લાગણીઓ વ્‍યકત કરી છે, તેનો આભાર કેવી રીતે મારે વ્‍યકત કરવો તેની હું દ્વિધા અનુભવુ છું.

વલસાડ જિલ્‍લાની મારી વર્ગ-૧થી વર્ગ-૪ની ટીમના ટીમ વર્કથી જ મારા ૧૩ માસના ટૂંકા ગાળમાં હું નિસર્ગ વાવાઝોડા, કોરોના મહામારી, તૌકતે વાવઝોડા જેવી કુદરત્તી આપત્તિઓ કે, મારા જનમન અભિયાનના કાર્યક્‍મની મારી કામગીરી કરી શકયો છું. આ તબક્કે તેમણે સાહિત્‍યક અંદાજમાં જણાવ્‍યું હતું કે, ''રિવોલ્‍વર તો મારી પાસે હતી પણ કાર્ટિઝ તો આપની પાસે છે, જેથી હું કાર્ટિઝ વગર ધડાકા ન કરી શકયો હોત એમ જણાવ્‍યું હતું. મારે વલસાડના પ્રેમાળ લોકો માટે ઘણું કરવું હતું પણ મને ખૂબ જ ઓછો સમય મળ્‍યો છે એમ જણાવી ખુલ્લા હ્‍દયની વાતો લઇને આજે હું તમારી સાથે આવ્‍યો છું એમ જણાવ્‍યું હતું.

વલસાડ ખાતે તા. ૧લી જૂન ૨૦૨૦ના રોજ જિલ્લા કલેક્ટર ટેરિકે આર.આર.રાવલે પદભાર સંભાળ્‍યો ત્‍યારે તેઓને વલસાડમાં કોઇ ઓળખતું ન હતું. આ બાબતે તેમણે સાહિત્‍યક શૈલીમાં ''છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્‍જિદમાં છે ખુદાને મારો, આપ સૌના પ્રેમથી તો વલસાડમાં સૌ કોઇ મને ઓળખે છે, એમ જણાવ્‍યું હતું. વલસાડ જિલ્લાના જન જનથી મન મન પહોંચવાના તેમના જન મન અભિયાનમાં મદદરૂપ થયેલા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આ તબક્કે તેઓએ આભાર માન્‍યો હતો.

જેમાં વિશેષ આ કાર્યમાં જેમણે તેમનો પોતાનો ફાળો આપ્‍યો છે, તેવા નિવાસી અધિક કલેકટર એન.એમ.રાજપૂત, સ્‍ટેમ્‍પ ડયૂટીના નાયબ કલેકટર જયોતિબા ગોહિલ અને કલેકટર કચેરીના પ્રધ્‍યુમન ગઢવીનો વિશેષ આભાર માન્‍યો હતો. આ તબક્કે કલેકટરએ તેમની કારર્કિદીમાં કારકુનથી કલેક્ટર સુધીની સફરમાં તેમને અનેક પડકારો આવ્‍યા, પરંતુ આ પડકારોની સામે પણ લડત આપી છે. એમ સાહિત્‍યક શૈલીમાં ''ઘણાં ઘણાં એન્‍જીન બદલાયા, ડબ્‍બા બદલાયા મુસાફિર તો હમ ચલતે રહે કારવાં બઢતા ગયા, એમ જણાવ્‍યું હતું. તેમની આ ૩૩ વર્ષની કારકિર્દીમાં તેમના ૨૮ વર્ષ નોનગેઝેટેડ અને ૫ વર્ષના ગેઝેટેડ અધિકારી તરીકે તેમને થયેલા અનુભવો અને પડકારોની વાતો તેમની કવિ હ્‍દયે જણાવી હતી.

આ બાબતે તેમણે મામલતદારથી કલકેટર સુધીના પ્રોબેશન પિરીયડ દરમિયાન થયેલ અનુભવની વાતો શેર કરી હતી. સદીના સૌથી ભયાનક કચ્‍છના વર્ષ ૨૦૦૧ના ભૂકંપ દરમિયાનની વાતનો ઉલ્લેખ કરતાં ''ડૂબા હુઆ સૂરજ નિકલ આતા હૈ, તો મરનેવાલા કોન હૈ યે રંગબેરંગી પરિવર્તનો સે ડરનેવાલા કોન હૈ, એમ જણાવી તેમની સામે આવેલા પડકારો અને પડકારોનો તેમણે કેવી રીતે સામનો કર્યો તે જણાવ્‍યું હતું. આ તબક્કે કલેકટરએ કોઇને જીવનમાં ઉપયોગી ન થાઓ તો કંઇ નહિં પણ કોઇને ઉપદ્રવી ન થતાં એમ શીખ આપી હતી. વલસાડ જિલ્લાના પ્રેમાળ લોકોનો મને પ્રેમ અને સહયોગ મળ્‍યો છે. તેમ તેમના સાહિત્‍ય શૈલીમાં જણાવતાં કહયું હતું કે, ''પ્રભાતના પરોઢિયે અજવાળુ થાય કે ન થાય, આપના કારણે મારા હૈયામાં હેતના અજવાળા થયા છે.

અંતમાં કલેકટર આર. આર.રાવલ નિવૃત્ત થાય છે. પરંતુ રાજુ રાવલ કયારેય રિટાયર થયા નથી એમ જણાવી તેમણે તેમના અધિક નિવાસી તરીકે તેઓ જયારે અમરેલીમાં હતા, ત્‍યારે તેમણે લખેલા તેમના પુસ્‍તકની પંકિતઓ હતી ''હું હસ્‍તપ્રત આજે પુસ્‍તક થઇને આવ્‍યો છું આ જીવન છે એક ઉત્‍સવ એ કહેવા નતમસ્‍તકે આવ્‍યો છું, મૂકીને વહીવટના મેલાઘેલા વાદ્યા કવિનો એક કિરદાર લઇને આવ્‍યો છું. એમ જણાવતાં મહેસૂલી વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને જણાવ્‍યું હતું કે, કલેકટર આર.આર.રાવલ તરીકે હું વહીવટમાં કઠોર છું. પરંતુ રાજુ રાવલ તરીકે હું સૌમ્‍ય છું એમ જણાવી તેમની પંકિતને ધ્‍યાને લઇ જણાવ્‍યું હતું કે, પુસ્‍તક એટલે નીતિનિયમો અને મસ્‍તક એટલે કે અરજદારને આપણે વાંચતા શીખવું પડશે અને કોઇપણ અરજદારને પ્રેમાળ આવકાર આપીને તેમના પ્રશ્નો પ્રત્‍યે સંવેદનશીલતા બતાવીને પ્રશ્નો હલ કરવા પડશે.

આ પ્રસંગે વલસાડના ડિસ્‍ટ્રિકટ જજ દવે સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાની, નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, આસીસ્‍ટન્‍ટ કલેકટર આકાંક્ષા તેમજ નાયબ કલેકટર જયોતિબા ગોહિલ તેમજ મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ કૌશલ પરમાર તથા મહેસૂલી કર્મચારી પ્રધ્‍યુમન ગઢવી અને માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એન.એન.પટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કલેક્‍ટર કચેરીના હાર્દિક ચૌધરી તેમજ આભારવિધિ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયાએ આટોપી હતી. આ કાર્યક્રમમાં વલસાડના જિલ્લાના મહેસૂલી તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Next Story