Connect Gujarat
ગુજરાત

વલસાડ : શ્રીમદ્દ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાયું

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે આયોજિત

વલસાડ : શ્રીમદ્દ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાયું
X

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે આયોજિત 'અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ'માં સહભાગી થયા હતા. ધરમપુર તીર્થ ક્ષેત્રમાં સ્થાપિત ૩૪ ફુટ ઊંચી શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના દર્શન અને પુષ્પમાળા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ અહીં નવનિર્મિત જિનપ્રાસાદ અને ગુરૂમંદિરને ખૂલ્લું મૂક્યું હતું. જ્યાં તેઓએ પૂ. ગુરૂદેવ રાકેશજીની ઉપસ્થિતિમાં પદ્મનાભ ભગવાન, સીમંધર સ્વામી, શંખેશ્વર પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનની દિવ્ય મૂર્તિઓને શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી નમન અને પુષ્પાર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીએ શ્રીમદ્દ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કરી થ્રીડી મોડેલનું અનાવરણ કર્યું હતું. સાથોસાથ તેમણે હોસ્પિટલના થ્રીડીમોડેલમાં શ્રીમદ્દ રાજચંદ્રજીની મિનિએચર પ્રતિમાનું સ્થાપન પણ કર્યું હતું.


આ પ્રસંગે વિશાળ શમિયાણામાં ઉપસ્થિત ધર્મપ્રેમી અનુયાયીઓને પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જીવમાત્ર પ્રત્યે કરૂણા એ ભગવાન મહાવીરનો માનવજાતને આપેલો સંદેશ છે. 'સર્વધર્મ સમ.. સર્વધર્મ મમ..'ની ભાવનાને શ્રીમદ્દ રાજચંદ્ર મિશને આત્મસાત કરી છે. ૧૨૦ વર્ષ પહેલા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્દ રાજચંદ્રજીના પગલાથી ધરમપુરની ભૂમિ પાવન થઈ છે. તેમણે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ લાખો અનુયાયીઓના જીવન પરિવર્તિત કરવામાં પથદર્શક બની છે એમ ગર્વથી કહ્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારે 'અહિંસા પરમો ધર્મ'ને અનુસરી ગૌવંશ વધ પર પ્રતિબંધનો કાયદો ઘડી તેનો કડક અમલ કરાવ્યો છે. હરતા-ફરતા પશુ દવાખાના, ૧૬૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રકલ્પથી માત્ર માનવી માટે જ નહીં, મૂંગા અને લાચાર પશુપક્ષીઓની સેવાશુશ્રુષાને પણ પ્રાથમિકતા આપી છે. જાત- પાત, ધર્મ અને વાડાબંધીને સ્થાને 'સૌના સાથ અને સૌના વિકાસ'ની ભાવનાને સરકારે સેવામંત્ર બનાવ્યો છે. 'જીવસેવા અને માનવસેવા' સમાજમાં સૌના જીવનનો ભાગ બને તેવું પ્રેરક આહવાન તેમણે કર્યું હતું.

આ પ્રસંગે પૂ.ગુરૂદેવ રાકેશજી, નાણા મંત્ર કનુભાઈ દેસાઈ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરી, સાંસદ કે.સી. પટેલ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, રેન્જ આઈ.જી.રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ, વાપી નગરપાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના પ્રમુખ અભયભાઈ જસાણી અને વલસાડ જિલ્લાના ધારાસભ્યશ્રી તથા અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા.

Next Story