Connect Gujarat
ગુજરાત

વલસાડ : ટીંભી અને બીલીયા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

વલસાડ : ટીંભી અને બીલીયા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા યુવા મોરચા દ્વારા સેવા હી સંગઠનના ભાગરૂપે ટીંભી પ્રાથમિક શાળાના પટાંગણમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, કોઇપણ મંડળની લોકપ્રિયતા વધારવા માટે લોકોની વચ્‍ચે જઇને સેવાના કાર્યો કરવા જોઇએ. ગરીબોને અન્ન વિતરણ સહિત પ્રજાજનોની જરૂરિયાત મુજબ મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો. કોરોના મહામારીના કપરાકાળમાં ઓક્‍સિજન પ્રત્‍યેક માનવી માટે કેટલો જરૂરી છે, તેની મહત્તમ સમજાઇ ગઇ છે, ત્યારે પર્યાવરણ જાળવણી અને શુદ્ધ વાતાવરણના નિર્માણ માટે વૃક્ષોની આવશ્‍યકતા સમજી સૌ કોઇને વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

તો, સાથે જ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બીલીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે અનુસૂચિત જન જાતિ મોરચા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરે મોરચાનો વ્‍યાપ કેવી રીતે વધારી શકાય તે અંગે વિસ્‍તૃત સમજણ આપતાં જણાવ્‍યું હતું કે, સૌ સાથે મળી જવાબદારીપૂર્વક કામગીરી કરીશું, તો સફળતા જરૂર મળશે. સમતોલ વાતાવરણ માટે જરૂરી 33 ટકાની જગ્‍યાએ 11 ટકા વન વિસ્‍તાર છે, જેથી પૂરતા વૃક્ષો ન હોવાને કારણે આપણને સંપૂર્ણ સારું વાતાવરણ ઉપલબ્‍ધ બનતું નથી, ત્‍યારે વૃક્ષને જીવનનો ભાગ બનાવી સક્રિય રીતે ઝુંબેશના રૂપે વૃક્ષો વાવે તેવી અપીલ કરવામાં આવી હતી. વનમંત્રીએ વન વિસ્‍તારની જાળવણી માટે એક ઝાડ કાપો અને દસ ઝાડ રોપોનું સૂત્ર અપનાવવા પણ લોકોને જણાવ્‍યું હતું.

Next Story