Connect Gujarat
ગુજરાત

વલસાડ : ઉમરગામ રેલ્વે સ્‍ટેશને વડોદરા-દહાણુ રોડ સુપર ફાસ્‍ટ ટ્રેનનું સ્‍વાગત કરાયું

વલસાડ : ઉમરગામ રેલ્વે સ્‍ટેશને વડોદરા-દહાણુ રોડ સુપર ફાસ્‍ટ ટ્રેનનું સ્‍વાગત કરાયું
X

વલસાડ જિલ્લાના ઉમરગામ રેલ્વે સ્‍ટેશને વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્‍ટ ટ્રેન આવી પહોંચતા વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકર, વલસાડ સંસદ ડૉ. કે.સી.પટેલ, દમણ સંસદ લાલુ પટેલ, પાલઘર ધારાસભ્‍ય શ્રીનિવાસ વાનગા સહિત મહાનુભાવોએ હર્ષથી સ્‍વાગત કરી લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યુ હતું. ઉમરગામ રેલ્વે સ્‍ટેશને સુવિધા ઉપલબ્‍ધ કરાવવા બદલ રેલ્વે તંત્રનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રેલ્વે વિભાગ દ્વારા અગાઉ ભીલાડ સુધી આવતી ટ્રેનને દહાણુ રોડ સુધી લંબાવવામાં આવી છે. આ અવસરે આદિજાતિ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ઉમરગામ વિસ્‍તારમાં ટ્રેનની વધારાની સુવિધા મળી છે, ઔદ્યોગિક એકમોમાં હજારો કામદારો કામ કરે છે, તેમના માટે ટ્રેનની સુવિધા આશીર્વાદ રૂપ બની રહેશે. આખા ગુજરાતમાં રેલ્વેના ઓવરબ્રિજ સહિત અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે.

આ અવસરે સાંસદ ડો. કે.સી.પટેલે જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકાર દ્વારા વલસાડ જિલ્લામાં 22 રેલ્વે ઓવર બ્રિજ મંજુર કરાયા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ દરેક ક્ષેત્રોમાં સુવિધા ઉપલબ્‍ધ કરાવી પ્રજાની સુખકારીમાં વધારો કર્યો છે. દમણ સાંસદ લાલુપટેલે જણાવ્‍યું હતું કે, સત્તાની સાથે જનતાની સેવા માટે સતત સક્રિય રહેવું જરૂરી છે. દેશનો સર્વાંગી વિકાસ થાય અને વિવિધ ક્ષેત્રે સફળતા મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સતત કાર્યરત હોવાનું જણાવી દમણ-દિવના પ્રજાજનોને પાકા રસ્‍તા, શુદ્ધ પાણી સહિતનો સર્વાંગી વિકાસ થાય તે માટે કેન્‍દ્ર સરકારના સહયોગ બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Next Story
Share it