અંકલેશ્વરમાં બેંકમાં ગ્રાહકોને પોતાની વાતમાં ફસાવી રોકડ મોબાઈલની ચોરી કરતો ભેજાબાજ ઝડપાયો

પોલીસે રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોન મળી રૂ. ૨૩૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર જીઆઈડીસીની એસબીઆઈ બેંકમાં ગ્રાહકને પોતાની વાતોમાં ફસાવી રોકડ તેમજ મોબાઈલની ચોરી કરતા ભેજાબાજ ઈસમની પોલીસે ધરપકડ કરી હતી.
પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ બેંકો તેમજ આંગડીયા પેઢીમાં બનતા ગુનાઓ સંબંધીત તપાસ અર્થે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન વાલીયા રોડને અડીને આવેલ કોસમડી ગામ પાસે આવેલ બેંક ઓફ બરોડા પાસે આંટા ફેરા મારતો એક શંકાસ્પદ ઈસમ પોલીસને મળી આવ્યો હતો.
પોલીસે તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ યોગેશ નામદેવ પાટીલ હાલ રહે. કૈલાશ રોડ, શેઠીયા નગર, મોગરાવાડી, વલસાડ અને મૂળ રહેવાસી જલગાંવ, મહારાષ્ટ્રનો હોવાનું જણાવ્યુ હતુ, તેની અંગ ઝડતીમાં તેની પાસેથી રૂ.૨૦,૦૦૦ રોકડા તેમજ ડ્યુલ સીમ કાર્ડ વાળો સેમસંગનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં યોગેશ પાટીલે આ રોકડા રૂપિયા ૨૦૦૦૦ અને મોબાઈલ ફોન જીઆઈડીસીની પ્રતિન ચોકડી નજીક આવેલ એસબીઆઈ બેંકમાં રૂપિયા જમા કરાવા માટે આવેલ બેંકનાં ખાતેદારનાં ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.
જીઆઈડીસી પોલીસે હાલતો યોગેશ પાટીલની ધરપકડ કરી તેનાં રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત તેની સાથે સામેલ અન્ય તેનાં સાથીદારો છે કે નહીં તે સંદર્ભેની પણ તપાસ પોલીસ કરી રહી છે.