ભરૂચ જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૧૬-૧૭ માટેનું બજેટ મંજુર.

રૂ.૧૦લાખનાં ખર્ચે બાબા આંબેડકર સાહેબનું સ્ટેચ્યુ બનાવવાનું પણ આયોજન.
ભરૂચ જીલ્લા પંચાયતનાં સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ ૨૦૧૬-૧૭ માટેનું રૂ. ૩૨.૬૪ કરોડનું પુરાંત વાળું બજેટ મંજુર કરવામાં આવ્યુ છે.
ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયાર, ઉપપ્રમુખ અનિલ ભગત અને જીલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતા હેઠળ સામાન્ય સભા મળી હતી. જેમાં જીલ્લા પંચાયતની ૩૮૭.૧૬ કરોડની આવક સામે રૂપિયા ૧૪૮.૯૬ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આ અંદાજપત્ર દરમ્યાન ૧૧ મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા અને રૂ. ૩૨.૬૮ કરોડની અંદાજીત પુરાંત વાળા બજેટને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતુ. જેમાં સુચિત જોગવાઈઓ મુજબ વિવિધ વિભાગોમાં ટેકનોલોજીનાં અપગ્રેડેશન માટે રૂ. ૬૦ લાખ, ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે પ્રાથમિક શાળાઓમાં ફોટા અને પુસ્તકો આપવા રૂ. ૫ લાખ, રાજય કક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લેનાર ખેલાડીઓ માટે રૂ. ૧ લાખની જોગવાઈ સહિત બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ બનાવવા રૂ. ૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનાં નિકાલ માટે પાઈપલાઈન નાખવા રૂ. ૭ લાખ અને માર્ગોનાં સમાર કામ માટે રૂપિયા ૨.૫૦ કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે.