પેટ્રોલ અને ડીઝલના ભાવોથી હૈયાહોળી ….

0

દેશમાં પેટ્રોલ અને ડીઝલ તેમજ રાંધણગેસના ભાવ આસમાને પહોંચી ગયાં છે અને તેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી બની છે. વિપક્ષ તરીકે કોંગ્રેસ મોંઘવારી તથા ભાવવધારાના મુદ્દે સરકારને ઘેરવામાં સદંતર નિષ્ફળ રહી છે. દેશમાં વિધાનસભાઓની ચુંટણીના માહોલ વચ્ચે તમામ રાજકીયપક્ષો પોતાની પૃષ્ઠભુમિ તૈયાર કરી રહયાં છે પણ આમાં મરો ગરીબ અને મધ્યમવર્ગના લોકોનો થઇ રહયો છે. આજનું અમારૂ વિશેષ બુલેટીન પેટ્રોલ અને ડીઝલના ભાવોથી હૈયાહોળ.. હું મુસ્તાક રાઠોડ આપ સૌનું સ્વાગત કરૂ છું….

વર્તમાન સમયમાં સૌથી વધારે કોઇની ચર્ચા હોય તો તે પશ્ચિમ બંગાળની છે.. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને ટીએમસી વચ્ચે મરણિયો જંગ ખેલાય રહયો છે. ભાજપ કોઇ પણ ભોગે પશ્ચિમ બંગાળમાં સત્તા હાંસલ કરવા માંગે છે અને તેના માટે શામ-દામ-દંડ અને ભેદની નિતિ અપનાવવામાં આવી રહી છે. ચૂંટણીના જામેલા માહોલ વચ્ચે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો અનોખો વિરોધ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્કુટર પર સવારી કરી ભાવ વધારાનો વિરોધ નોંધવાયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પેટ્રોલ- ડીઝલની વધતી કિંમતોનો અનોખો વિરોધ કર્યો છે. મમતા બેનર્જી આજે કારની સવારી છોડી સ્કૂટર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય પહોંચી હતી. તેમનું સ્કૂટર મંત્રી ફિરહાદ હકીમ ચલાવી રહ્યા હતા. જ્યારે સીએમ તેમની પાછળ બેઠા હતા. તે એક સરળ સ્કૂટર નહીં પરંતુ બેટરીથી ચાલતું ગ્રીન સ્કૂટર હતું. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતોના ભાવ વધારા સામે મમતા બેનર્જીએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આ સમય દરમિયાન મમતા બેનર્જીએ હેલ્મેટ અને મોઢા પર માસ્ક પહેર્યું હતું. તેમણે ગળામાં પટ્ટો લટકાવ્યો હતો જેના પર લખ્યું હતું. “તમારા મોઢામાં શું છે, પેટ્રોલની કિંમત વધારો, ડીઝલની કિંમત વધારો અને ગેસની કિંમત વધારો”સીએમના સ્કૂટર પર ઓફિસ જવાનો આખો કાર્યક્રમ સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમણે વધતા જતા ઇંધણના ભાવનો વિરોધ કરવાની આ અનોખી રીત શોધી કાઢી હતી. ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ પેટ્રોલ આ મહિને લિટર દીઠ 100 રૂપિયાને પાર કરી ગયું છે.પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખોની ઘોષણા ટૂંક સમયમાં થવાની સંભાવના છે. ભાજપ સતત પ્રચાર કરી રહ્યું છે. તે જ સમયે મમતા પણ મોંઘવારી, પેટ્રોલ અને ખેડૂતોના મુદ્દે સતત સરકારને ઘેરી રહી છે. ભાજપ દ્વારા બંગાળમાં આજથી સોનાર બાંગ્લા અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી છે. જે અંતર્ગત પાર્ટી બંગાળના લોકો પાસેથી સૂચનો માંગશે. આ અંતર્ગત લગભગ 2 કરોડ સૂચનો લેવામાં આવશે. સમગ્ર બંગાળમાં આશરે 30,000 સૂચન બોક્ષ ગોઠવવામાં આવશે. 294 વિધાનસભા મત વિસ્તારોમાં લગભગ 100 ટેબલ લગાવવામાં આવશે. આ અભિયાન 3 માર્ચથી 20 માર્ચ સુધી ચાલશે.

એન્કર : કેન્દ્ર સરકાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવા માટે દબાણ છે, આમ છતાં કિંમત વધે છે એના બે કારણ છે – પહેલું કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને બીજું કારણ ડૉલરની તુલનામાં કમજોર થઈ રહેલો રૂપિયો, પણ પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ માટે સૌથી મોટું કારણ સરકારી ટૅક્સ જ છે.

ક્રૂડ ઓઇલનો ભાવ 63 ડૉલર પ્રતિ બેરલ છે. એટલે કે રૂપિયામાં ગણતરી કરીએ તો ક્રૂડ ઓઇલના એક બેરલની કિંમત લગભગ રૂપિયા પાંચ હજાર જેટલી થાય છે. એક બેરલમાં 159 લિટર આવે છે, તો એ પ્રમાણે પ્રતિ લિટર ક્રૂડ ઓઇલની કિંમત 31 રૂપિયા જેટલી થાય છે. ઓઇલની ખરીદી બાદ ભારત લાવવાનો ખર્ચ ચૂકવવો પડે છે, ભારત આવી ગયા બાદ તેને રિફાઇનરી(આઇઓસી, બીપીસીએલ જેવી કંપનીઓ)માં પહોંચાડવાનો ખર્ચ થાય છે. ત્યારબાદ કંપની તેના પર પ્રોસેસ કરીને પેટ્રોલ કે ડીઝલ સ્વરૂપે ડીલર્સને પહોંચાડે છે. જ્યાં તેના પર કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી, રાજ્ય સરકારનો વેટ અને ડીલરનું કમિશન જોડાય છે. અને આ બધુ મળી ગ્રાહકને આપવાનો ભાવ નક્કી થાય છે. પરંતુ સવાલ એ થાય છે કે, 2014 ના વર્ષમાં પ્રતિ બેરલ 93 અમેરિકી ડોલર જેટલો ક્રૂડ ઓઇલનો ભાવ હતો તેમ છટ પેટ્રોલ અને ડીઝલની કિંમત 60થી 70 રૂપિયા વચ્ચે હતી પરંતુ 2021 આવતા જ્યાં બેરલની કિંમત ઘટી ત્યાં જ પેટ્રોલ અને ડીઝલ વધારે મોંઘું થઈ ગયું. સરકાર ટેક્સમાં છૂટ આપવા કે ઘટાડવા તૈયાર નથી જેનો બોઝ સામાન્ય જનતા ઉઠાવવો પડી રહ્યો છે. હાલની કિંમત જોઈએ સરેરાશ પેટ્રોલ 90 અને ડીઝલ 80 રૂપિયા સુધી પહોંચી ગયું છે.

એન્કર : ગુજરાતમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ ભાવવધારાને અવગણીને ભાજપને જંગી બહુમતીથી જીતાડયું છે પણ હવે રવિવારે અન્ય સંસ્થાઓ માટે મતદાન થવા જઇ રહયું છે.

ગુજરાતમાં થયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. પેટ્રોલ અને ડીઝલ તેમજ રાંધણગેસના ભાવવધારા વચ્ચે લોકોએ ભાજપ તરફી મતદાન કર્યું છે. વાત કરવામાં આવે નગરો તથા મહાનગરોની તો શહેરી મતદારો હંમેશા ભાજપ તરફી રહયાં છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ભાવવધારાની અસર તેમના પર જોવા મળતી નથી. તેઓ મોંઘવારી સહન કરીને પણ ભાજપને મત આપતાં આવ્યાં છે. હવે રવિવારના રોજ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતો માટે મતદાન થવા જઇ રહયું છે. હવે વાત કરવામાં આવે મોંઘવારીની તો ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્પર્શતો આ મહત્વનો મુદ્દો છે. ખેડૂતો માટે પેટ્રોલ અને ડીઝલ ખુબ મહત્વ ધરાવે છે. ટ્રેકટરો તથા અન્ય મશીનરી ચલાવવામાં ડીઝલ બહુ ઉપયોગી હોય છે પણ વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરખા થઇ ગયાં હોવાથી જગતના તાત મુશ્કેલીમાં મુકાયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં ખેતી કરવાનું મોંઘુ બન્યું છે અને તેની સામે પાકના પોષણક્ષમ ભાવો મળતાં નથી. આ મુદ્દો કદાચ ભાજપ માટે ચૂંટણીમાં મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. મોટા ભાગની નગરપાલિકાઓમાં શહેરી મતદારો હોવાથી નગરપાલિકામાં ભાજપ તરફી મતદાની શકયતાઓ નકારી શકાય તેમ નથી પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં મતદારોનો મિજાજ કેવો રહે તે અગત્યનું છે.

દેશભરમાં ચાલી રહેલાં ચુંટણીના માહોલ વચ્ચે લોકો મોંઘવારી ઘટે તેની રાહ જોઇ રહયાં છે. કેન્દ્રની ભાજપ સરકાર મોંઘવારી ઘટાડશે તેવી આશા સાથે લોકો હજી ભાજપ તરફી મતદાન કરી રહયાં છે ત્યારે સરકાર પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ભાવ કયારે ઘટાડે તે જોવું રહયું. આવા જ રસપ્રદ સમાચારો માટે આપ જોતા રહો કનેકટ ગુજરાત અને ત્યાં સુધી મને રજા આપશો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here