નવા વિક્રમ સંવત ૨૦૭૫માં મંદી-મોંઘવારીમાં રાહત મળવાની આશા સાથે

મંદિરોમાં અન્નકૂટ દર્શનઃ માતા-પિતા,ઈષ્ટદેવ,ગુરુદેવ વગેરેને વંદનથી થશે નવા વર્ષનો શુભારંભઃ રાત્રિના ફટાકડા ફોડી,ઘરે ઘરે દિપજ્યોત, રંગોળી-રોશનીથી હર્ષભેર ઉજવાઈ દિવાળી

આજે દિવાળીનું મહાપર્વ મર્યાદિત ખર્ચથી પણ અમર્યાદિત ઉત્સાહ અને શ્રધ્ધાથી ઉજવાયું હતું. નાના ગામથી નગરોમાં લોકોએ આજે રાત્રિના ફટાકડા ફોડી, રંગોળી-રોશની-સુશોભનથી સજાવેલા નિવાસમાં લક્ષ્મીજી-સરસ્વતીના, રિધ્ધિસિધ્ધિના આગમન માટે રાત્રે ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજનના ઉત્સાહભેર આયોજનો થયા હતા અને આવતીકાલે નૂતન વર્ષને સત્કારવા ઉમંગ છલકાતા દિલ સાથે તૈયારી કરી હતી.

વિક્રમ સંવત ૨૦૭૫નો પ્રથમ દિવસ હોય બે મિલિનેયમથી થતી આ પર્વની ઉજવણીમાં અનેક આધુનિક ઓપ અપાયા છતાં કલ્યાણકારી પરંપરાને લોકોએ જાળવી રાખી છે. નવા વર્ષનો પ્રારંભ અનેક પરિવારોમાં આજે પણ માતા-પિતા, વડીલોને તથા મંદિરે કે ઘરે ઈષ્ટદેવને અને ગુરુદેવને વંદન કરીને તેમના આશિર્વાદ મેળવીને શરૂ કરાતો હોય છે અને વડીલો દ્વારા તેમના સંતાનોને દિવાળી ભેટ આપવાનો રિવાજ દાયકાઓથી અકબંધ છે, જો કે સાચી ગીફ્ટ તો અંતઃકરણપૂર્વકના આશિર્વાદ મળે એ જ હોય છે. મિત્રો, સમવ્યસ્કો હાથ મિલાવીને અને મોટેરાંઓ રામરામ,જયશ્રી કૃષ્ણ,જય મહાદેવ,જય અંબે એમ પોતપોતાના ઈષ્ટદેવના નામથી નવા વર્ષનું સ્વાગત કરે છે.

બે દાયકા પહેલા નૂતનવર્ષનો આખો દિવસ સગાસંબંધીઓ મિત્રોને મળીને સાલ મુબારક કરવામાં વિતતો હતો પણ હવે મોબાઈલની એકાદ એપ્લીકેશનથી અનેક મિત્રોને એક સાથે નૂતન વર્ષાભિનંદન કહી દેવાય છે. જેના પગલે બેસતાવર્ષના દિવસે તૈયાર થઈ, ખાસ આ દિવસ માટે સિવડાવેલા કે ખરીદેલા વસ્ત્રો પહેરીને સગાસંબંધીઓને ત્યાં બેસવા જવાનો અને મોઢુ ભાંગી જાય ત્યાં સુધી પ્રેમથી અપાતી મિઠાઈ આરોગવાનો રિવાજ નોંધપાત્ર ઘટી રહ્યો છે. ફેસબૂક,ટ્વીટર,વોટ્સએપ,એસએમએસમાં નવા નવા વર્ષની શુભેચ્છા કલરફૂલ, આકર્ષક હોય છે, સાહિત્યક રોચક શબ્દો રેડીમેઈડ મળી જાયછે પણ તે હૃદયસ્પર્શી નથી બની શકતા. મંદિરોમાં ભગવાનને અન્નકૂટનો થાળ ધરાવાયો જેમાં અનેકવિધ વાનગીઓ ભગવાનને ભાવથી અર્પણ કરાય છે. ભગવાન તેમાંથી જેટલો હોય એટલો માત્ર ‘ભાવ’જ સ્વીકારે છે અને ભક્તોમાં આ પ્રસાદ વહેંચાતો હોય છે.

બેસતા વર્ષ અર્થાત્ નવા વર્ષના પ્રથમ દિવસને જીવનમાં કાંઈ કરી બતાવવા થનગનતા આબાલવૃધ્ધ સંકલ્પનો દિવસ તરીકે પણ ઉજવે છે અને નવા વર્ષના સંકલ્પો કરાતા હોય છે.

LEAVE A REPLY