દેશની જાહેર શાળાઓની ગુણવત્તા સુધારવા અંગેના એક લેક્ચર આપવાને અર્થે દેશના જાણીતા આઈસક્રીમ બનાવવાની કંપનીના એક વિખ્યાત એક્ઝીક્યુટીવને એક વખત નિમંત્રણ આપવામાં આવેલું. પોતાની કંપનીના અદભૂત પર્ફોર્મન્સના ગર્વ અને પોતાના બિનઅનુભવી, અણઘડપણાના મિશ્રણ સમી ભાષણબાજીમાં ઘણી બધી એવી વાતો પણ થઈ રહી હતી કે જે અસ્થાને હતી. એમણે પોતાના લેક્ચરને ચાલુ રાખતા કહ્યું કે… આપણા દેશમાં શિક્ષણની પબ્લિક સ્કુલ સિસ્ટમ સાવ ખાડે ગઈ છે.

આ વાત નિર્વિવાદ છે અને એને સંપૂર્ણ બદલવાની તાતી જરૂર છે. ખાટલે મોટી ખોડ એ છે કે શિક્ષકોને ગુણવત્તાના કોઈ જ ઠેકાણાં નથી, શિક્ષણ સંસ્થાઓએ તો અમારા જેવી કંપનીઓ પાસે ગુણવત્તા જાળવવાના પાઠ શીખવાની જરૂર છે, અમારા ક્ષેત્રમાં જરાય-સહેજેય ઉતરતી કક્ષાની પ્રોડક્ટ ચાલે જ નહી. તમે જ કહો, તમે વાસી આઈસક્રીમ ખાઓ છો ? શિક્ષકો એ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા, ઘણાં બધા કંટાળો અનુભવી રહ્યા હતા, ઘણાં બધા નિરાશ થઈ રહ્યા હતા પરંતુ એક શિસ્તબદ્ધ રીતે તેઓ એમને સાંભળી રહ્યા હતા. જેવું જ આ ભાષણ પૂર્ણ થયું અને પેલા સાહેબ એમના સ્થાન પર બેઠાં ત્યારે જમાનો જોઈ ચૂકેલા અસંખ્ય વિદ્યાર્થીઓને ભણાવી અને ઘડાઈ ચૂકેલા, એક હાઈસ્કુલના અંગ્રેજી શિક્ષક બહેને હાથ ઉંચો કર્યો, એમણે ઠંડા કલેજે પોતાની વાત શરૂ કરી, સર, આપની આઈસક્રીમ કંપનીનું આઈસક્રીમ ખરેખર સારું હોય છે આટલું જ એ બેન બોલ્યા અને તરત જ પેલા એક્ઝીક્યુટીવ વચ્ચે કૂદી પડ્યા સારો નઈ મેડમ શ્રેષ્ઠ હોય છે It is the best Ice-Cream in the Country.

બહેને ફરી પૂછ્યું, સાહેબ તમારો આઈસક્રીમ ખરેખર સારો હોય છે શું એ ક્રીમ, ફ્રુટ્સ, નટ્સ અને સૂકા મેવાઓથી ભરપૂર હોય છે ? પેલા સાહેબ વળી પાછાં કૂદી પડ્યા, હાસ્તો, અમે ૧૦૦% ફેટનું દૂધ વાપરીએ છે અને એમાં પણ સારામાં સારા ફ્રુટ્સ અને નટ્સ ઉમેરીએ છે અને બધું જ  ટ્રીપલ A (AAA) ક્વૉલિટીનું વાપરીએ છે મેડમ, પેલા શિક્ષિકા બહેન તો શાંતિથી સાંભળી રહ્યા હતા એ બોલ્યા, સાહેબ તમારો પેલો બ્લુબેરી આઈસક્રીમ ખરેખર Best છે એ વાત સાચી પરંતુ મારા મનમાં કેટલીક શંકાઓ છે, શું આપ એનું સમાધાન કરશો ? પેલા સાહેબ ફરી બોલ્યા, ચોક્કસ કેમ નહી, પેલા બહેને કહ્યું કે સાચું કહેજો, સાહેબ કે બજાર માંથી બ્લૂબેરી મંગાવ્યા હોય એ ધારો કે, વાસી કે સડેલાં નિકળે તો શું તમે એ આઈસક્રીમ માટે વાપરશો ? પેલા સાહેબ બોલ્યા, કદાપિ નહી. એ ચોક્કસપણે સપ્લાયરને પાછાં મોકલવામાં આવે છે, એ બાદ પેલા શિક્ષિકા બહેને આગળ પૂછ્યું અને માની લો સાહેબ કે આઈસક્રીમ બનાવવા માટેનું દૂધ ફાટી જાય કે બગડી જાય તો શું તેમાંથી પણ તમે આઈસક્રીમ બનાવશો ? ફરીથી પેલા સાહેબ બોલ્યા ના ના, એવું ક્યાંથી શક્ય બને ? અમે એ ક્વૉલિટી વગરની વસ્તુઓ વાપરતાં જ નથી, શિક્ષિકા બહેન ફરીથી શાંતિથી બોલ્યા : બસ, તો સાહેબ અહીંયાં જ ભેદ પડે છે.

શાળા ચલાવવી એ ફેક્ટરી ચલાવવા જેવું સરળ કામ નથી, બંન્ને વચ્ચે સરખામણી ન કરશો, અમે અમારાં ત્યાં આવેલી બ્લૂબેરીને કે ફાટી ગયેલા દૂધને ક્યારેય પાછું નથી મોકલતાં, અમારે ત્યાં ભણવા આવેલું બાળક નીચું હોય કે ઊંચું હોય, ગોરું હોય કે કાળુ હોય, તે ગરીબ ઘરનું હોય કે તવંગર હોય, એ હોશિયાર હોય કે સાવ ભોઠું હોય, એ ડરેલું હોય કે પ્રખર આત્મવિશ્વાસુ હોય, એ અનાથ હોય કે એકલવાયું હોય અમે એને પ્રેમથી સ્વીકારીએ છીએ અરે… ખોડખાંપણવાળા કે રોગીસ્ટ અને અપંગ બાળકો કે માનસિકરૂપ થી ક્ષતિગ્રસ્ત બાળકોને પણ અમારી શાળામાં ભણીને ઉચ્ચ સ્થાને પહોંચવાનો સમાન મોકો અમે આપીએ છીએ. એટલે જ હું આપને કહેવા માંગું છું કે સાહેબ કે, શાળા ચલાવવી એ કોઈ બિઝનેસ કે ફેક્ટરી ચલાવવા જેવું સીધુસટ કે સરળ કામ નથી.

મિત્રો, આપણા દેશનું ભાગ્ય જ્યારે વર્ગખંડમાં આકાર લઈ રહ્યું છે ત્યારે આવા વર્ગખંડોમાં તમામ બાળકોને એકસરખાં પ્રેમથી, એકસમાન સ્થાને બેસાડી અને શિક્ષણ આપતા એ તમામ શિક્ષક મિત્રોને ખરેખર વંદન છે.

આપણાં દેશના ભવિષ્યને જો આપણે સુરક્ષિત રાખવું હશે તો આ શિક્ષકમિત્રોને પણ આપણે એટલા જ આદરથી જોવા પડશે. આજની આ વાર્તા લેવામાં આવી છે પુસ્તક “વીણેલાં મોતી”માંથી જેનું સંકલન કર્યું છે શ્રી સુનિલ આર્યા એ પ્રસ્તુત કર્તા ડૉ.મનોજ.

1 COMMENT

LEAVE A REPLY