ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

સરદાર જયંતિ નિમિત્તે આયોજન

પોલીસ દ્વારા રન ફોર યુનિટી યોજાઈ

કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

સબજેલમાં પણ કાર્યક્રમ યોજાયો

લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યક્રમો યોજાયા હતા.તો બીજી તરફ એકતા દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રીય એકતા અને તંદુરસ્ત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી 31મી ઓક્ટોબરના રોજ ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘રન ફોર યુનિટી’ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા દોડને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી, જંબુસર પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલી, ઝઘડીયા એએસપી અજયકુમાર મીણા,હેડક્વાર્ટર ડીવાયએસપી એમ.એમ. ગાંગુલી,દહેજ ડીવાયએસપી ડો.અનિલ સિસારા, અંકલેશ્વર ડીવાયએસપી ડો.કુશલ ઓઝા, સિવિલ સર્જન વી.આર. ઉપાધ્યાય સહિતના પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ દોડમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ એનજીઓના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને એકતા અને સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો હતો.પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ દોડ વેજલપુર, બંબાખાના અને મહોમદપુરા થઈ સબજેલ બહારના વળાંક સુધી પહોંચી હતી.ત્યાંથી દોડવીરો એ જ માર્ગે પરત ફરી પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.દોડ પૂર્ણ થયા બાદ વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારા વિજેતા દોડવીરોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

બીજી તરફ ભરૂચ જિલ્લા જેલ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા તેને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય એકતા દિવસની શપથવિધિ કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રીય એકતા, શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને સામૂહિક ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘રન ફોર યુનિટી’ અંતર્ગત ૧ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રયાસ સંસ્થા, ભરૂચ તરફથી  આશિષ બારોટ તથા ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પરેશ મેવાડા તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

તા. 31મી ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બન્ને મહાનુભાવોની તસવીરો પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.