મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સુરતવાસીઓને રૂ.410 કરોડના 50 જેટલા વિકાસકાર્યોની ભેટ

શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે    

સીએમના હસ્તે રત્નમાલા ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાયો 

નવા ફાયર સ્ટેશન અને શેલ્ટર હોમ ખુલ્લા મુકાયા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને 410 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભવ્ય ભેટ આપી છે. સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં સીએમના હસ્તે 50 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને 410 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભવ્ય ભેટ આપી છે. સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે 50 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, વિધાનસભા ઉપાધ્યક્ષ પુર્ણેશ મોદી, મંત્રી જીતુ વાઘાણી સહિત મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા, સુડા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે રૂપિયા 211.65 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 37 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે રૂપિયા 108.72 કરોડના ખર્ચે આકાર પામનારા 13 નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત પણ સંપન્ન થયું છે.

શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે કતારગામ-અમરોલી રોડ પર ગજેરા જંકશન ખાતે રૂપિયા 31.42 કરોડના ખર્ચે બનેલા રત્નમાલા ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક વાહનચાલકોને મોટી રાહત મળશે. આ ઉપરાંત, સચીન રેલવે ઓવરબ્રિજ નીચે રૂપિયા 2.40 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને કેફેટેરિયાનું લોકાર્પણ કરાયું છે,તથા કાપોદ્રા અને પુણા વિસ્તારને જોડતી ખાડી પર રૂપિયા 27.59 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા બ્રિજની ભેટ પણ સુરતવાસીઓને સોંપવામાં આવી છે.

આ ઉપરાંત કનકપુર ખાતે 50 બેડની આધુનિક હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી છે, જ્યારે અસારમા અને અડાજણ ખાતે નવા ફાયર સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. સાથે જ શહેરી ઘરવિહોણા લોકો માટે વિવિધ વિસ્તારોમાં આધુનિક સુવિધા ધરાવતા શેલ્ટર હોમ જાહેર જનતા માટે ખુલ્લા મુકાયા છે.