Connect Gujarat
Featured

IND vs ENG: ઇંગ્લેન્ડે 36 વર્ષ બાદ ચેન્નાઇમાં ભારતને હરાવ્યું હતું; ઇંગ્લેન્ડે 1985માં ચેન્નાઇમાં ભારતને પરાજિત કર્યું હતું

IND vs ENG: ઇંગ્લેન્ડે 36 વર્ષ બાદ ચેન્નાઇમાં ભારતને હરાવ્યું હતું; ઇંગ્લેન્ડે 1985માં ચેન્નાઇમાં ભારતને પરાજિત કર્યું હતું
X

ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું. આ સાથે ઈંગ્લેંડની ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. જ્યારે ટીમ ઈન્ડિયાને આ મેદાન પર છેલ્લા 22 વર્ષમાં પ્રથમ વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે.

બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે ભારત સામે 420 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી જેક લીચે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને ત્રણ સફળતા મળી.

પ્રથમ દાવમાં 578 રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડે ભારતને પ્રથમ દાવમાં 337 રન બનાવીને આઉટ કરી દીધું હતું. પ્રથમ ઇનિંગ્સમાં 241 રનની જંગી લીડ મેળવ્યા બાદ ઇંગ્લિશ ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 178 રનમાં સમેટાઇ ગઇ હતી. આ રીતે ઇંગ્લેન્ડે ભારતને 420 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના જેક લીચ અને જેમ્સ એન્ડરસન સામે ટીમ ઈન્ડિયા પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.

આ પહેલા ઇંગ્લેન્ડે 1985માં ચેન્નાઇના મેદાન પર ભારતને પરાજિત કર્યું હતું. ત્યારબાદથી ચેપૌકમાં બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમાઈ હતી, પરંતુ દરેક વખતે ભારતે આ મેચ જીતી લીધી હતી. છેલ્લી વખત વર્ષ 2016માં ભારત અને ઇંગ્લેન્ડ આ મેદાન પર સામ-સામે આવ્યા હતા. તે મેચ ટીમ ઈન્ડિયાએ ઇનિંગ્સ અને 75 રનથી જીતી હતી.

છેલ્લા 22 વર્ષમાં ચેન્નાઇમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર છે. આ પહેલા એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં 1999માં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત આ મેદાન પર એક પણ ટેસ્ટ હાર્યો ન હતો.

Next Story