Connect Gujarat
દેશ

કાબુલમાં ફસાયેલા 87 ભારતીયો પહોંચ્યા દિલ્હી, પ્લેનમાં લગાવ્યા 'ભારત માતા કી જય'ના નારા

અફઘાનિસ્તાનથી ઘરે વાપસી કરી રહેલા ભારતીયોએ પ્લેનમાં જ ભારત માતા કી જયના નારા લગાવ્યા.

કાબુલમાં ફસાયેલા 87 ભારતીયો પહોંચ્યા દિલ્હી, પ્લેનમાં લગાવ્યા ભારત માતા કી જયના નારા
X

અફઘાનિસ્તાનમાં ફસાયેલા 87 ભારતીયોને લઈને બે પ્લેન રવિવાર સવારે દિલ્હી પહોંચી ગયા છે. તે પૈકી એક પ્લેન કતરથી દોહા, જ્યારે બીજું તાજિકિસ્તાનથી રાજધાની દુસાંબેથી ભારત પહોંચ્યું છે. અફઘાનિસ્તાનથી ઘરે વાપસી કરી રહેલા ભારતીયોએ પ્લેનમાં જ ભારત માતા કી જયના નારા લગાવ્યા.

આ વાતની જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ રવિવારે ટ્વીટરના માધ્યમથી આપી છે. સાથોસાથ તેમણે એવું પણ જણાવ્યું કે પ્લેનમાં નેપાળના બે નાગરિક પણ સવાર છે. મંત્રાલયે જણાવ્યું કે અન્ય ભારતીયોની પણ પ્રક્રિયા ચાલુ છે. આજ રાત સુધીમાં 300 અન્ય ભારતીયોની પણ સુરક્ષિત વતન વાપસી થઈ જશે.

અફઘાનિસ્તાનમાં ભારતીય સમુદાયની સંખ્યા ઘણી વધારે છે, એવામાં ભારત સરકારે પણ નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.

ભારતીય વાયુસેના પહેલા જ પોતાના રાજદૂત સહિત 180 નાગરિકોને ભારત લાવી ચૂકી છે. હાલમાં કુલ 25 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગત મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક યોજી હતી અને તમામ સંબંધિત અધિકારીઓને અફઘાનિસ્તાનથી આવનારા ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાના નિર્દેશ આપ્યા હતા. અહેવાલ છે કે રવિવાર સવારે અફઘાનિસ્તાનથી 500 ભારતીય અલગ-અલગ સ્થળે અને ઉડાનોથી પોતાના દેશ પરત ફરી રહ્યા છે.

અફઘાનિસ્તાન સરકારના સૂત્રોએ એએનઆઈએ જણાવ્યું હતું કે ભારતને અફગાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને કાઢવા માટે કાબુલથી પ્રતિદિવસ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના દિવસે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના કાબુલમાં કબ્જો કર્યા બાદ હામિદ કરજઈ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન અમેરિકી અને ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતને આ સંગઠન તરફથી કાબુલથી દરરોજ બે ઉડાનો સંચાલિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સમયે કાબુલ એરપોર્ટ સંપૂર્ણ પણે અમેરિકી સુરક્ષા દળોના નિયંત્રણ હેઠળ છે. નાટો દળો દ્વારા આ સમયે કાબુલથી 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે.

Next Story