Connect Gujarat
દેશ

ભાજપની રાહે કોંગ્રેસ: શું પંજાબના કેપ્ટન બદલાશે !

ભાજપની રાહે કોંગ્રેસ: શું પંજાબના કેપ્ટન બદલાશે !
X

પંજાબ કોંગ્રેસમાં હંગામો હવે એટલી હદે વધી ગયો છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની ખુરશી જોખમમાં હોવાનું જણાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટનનું રાજીનામું માગી લીધું છે. આ સિવાય સાંજે થનારી વિધાયક પક્ષની બેઠકમાં નવા નેતાની પસંદગી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે કેપ્ટન ગ્રુપ આ વાત નકારી રહ્યું છે, પરંતુ સિદ્ધુ ગ્રુપમાં વધી રહેલી કાર્યવાહીથી એનો અંદાજ લગાવી શકાય છે.

મોટો સવાલ એ થઈ ગયો છે કે સન્માનજનક વિદાય માટે કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું આપશે અથવા ધારાસભ્યો પક્ષની બેઠકમાં જ અવિશ્વાસ પ્રસ્તાવ આપશે. કેપ્ટને અંદાજે 2 વાગે તેમના ગ્રુપની બેઠક બોલાવી છે અને ધારાસભ્યોને આવવા કહ્યું છે.

કેપ્ટનથી નાખુશ 40 ધારાસભ્યના પત્ર પછી કોંગ્રેસ હાઈકમાન્ડે એક મોટો નિર્ણય લેતાં આજે સાંજે 5 વાગ્યે ચંદીગઢમાં પંજાબ કોંગ્રેસ ભવનમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધીને મળ્યા બાદ શુક્રવારે મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય દળની બેઠક અંગે માહિતી આપી છે.

આજની બેઠકમાં અજય માકન અને હરીશ ચૌધરી કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહેશે. આ બેઠક બાદ રિપોર્ટ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક હાઇકમાન્ડના 18-પોઇન્ટ ફોર્મ્યુલા વિશે છે, પરંતુ બળવાખોરોનું વલણ જોતાં એ સ્પષ્ટ છે કે તેના દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી છે.

બળવાખોર જૂથ દ્વારા હરીશ રાવત પર પણ સવાલ ઉઠાવાયા હતા. આવી સ્થિતિમાં બે નિરીક્ષકોને આજની બેઠક માટે મોકલવામાં આવી રહ્યા છે, જેથી બાદમાં કોઈને પ્રશ્નો ઉઠાવવાની તક ન મળે.

Next Story
Share it