Connect Gujarat
દેશ

"ડોક્ટર્સ-ડે" : નિઃસ્વાર્થ યોગદાન આપતા તમામ તબીબોનો આભાર માનવાનો વિશેષ દિવસ

ડોક્ટર્સ-ડે : નિઃસ્વાર્થ યોગદાન આપતા તમામ તબીબોનો આભાર માનવાનો વિશેષ દિવસ
X

સમગ્ર ભારતમાં આજે તા. 1 જુલાઈના રોજ ડોક્ટર્સ-ડે તરીકેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજના દિવસે કોરોનામાં મૃત્યુ પામેલા મૃતક તબીબોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ભારતના સુપ્રસિદ્ધ ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયની જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવે છે. ડો. બિધાનચંદ્ર રોયની માન્યતા હતી કે, માત્ર એક સ્વસ્થ વ્યક્તિ, જે મન અને શરીરથી મજબૂત હોય છે, તે જ ભારતની સ્વતંત્રતા એટલે કે, સ્વરાજ પ્રાપ્ત કરવાનું સપનું જોઈ શકે છે. તો સાથે જ મહિલાઓના કલ્યાણમાં પણ તેમનું યોગદાન અગત્યનું છે.

ડો. બિધાનચંદ્ર રોયે તમામ વર્ગ અને સમુદાયોની મહિલાઓને આગળ આવવા અને તેમની ટીમે શરૂ કરેલી સેવા સદનમાં તબીબી સેવા મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના તાલીમ કેન્દ્રથી મહિલાઓને નર્સિંગ અને સામાજિક કાર્ય વિશે શીખવામાં મદદ મળી છે. ડો. બિધાનચંદ્ર રોયના મૃત્યુ બાદ, જે મકાનમાં તે રહેતા હતા તે તેમની ઇચ્છા મુજબ એક નર્સિંગ હોમમાં ફેરવાઈ ગયું. તેનું નામ તેમની માતા અઘોરકમિની દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ડોકટર્સ-ડેની ઉજવણી માત્ર ડોક્ટર રોયના માન માટે જ નહીં, પણ દરેક ક્ષેત્રના દર્દીઓ પ્રત્યેના તેમના અથાક પ્રયત્નો અને સમર્પણ માટે ઉજવવામાં આવે છે.

જોકે, ડોક્ટર્સ-ડે વિશેની એક રસપ્રદ વાત તો એ છે કે, વિવિધ દેશોમાં ડોક્ટર્સ-ડેની જુદી જુદી તારીખે ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે તા. 1 જુલાઈના રોજ ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે USમાં ડોક્ટર્સ-ડે તા. 30મી માર્ચે ઉજવાય છે, જ્યારે બ્રાઝિલમાં તા. 1 ઓક્ટોબર, કેનેડામાં તા. 1 મે, ક્યુબામાં તા. 3 ડિસેમ્બર અને નેપાળમાં તા. 4 માર્ચના રોજ ડોક્ટર્સ-ડે મનાવવામાં આવે છે. જોકે, આજના વાસ્તવિક જીવનમાં તબીબોને રિયલ હીરો તરીકે માનવમાં આવે છે. ડૉક્ટર દિવસ એ નિઃસ્વાર્થ યોગદાન માટે તમામ તબીબોનો આભાર માનવાનો વિશેષ દિવસ છે.

કોરોનાકાળમાં પણ તબીબો સૌથી મોટા વોરિયર્સ બનીને ઉભર્યા છે. દર્દીઓની સેવામાં 24 કલાક હાજર રહી અનેક તબીબોએ લોકોનો જીવ બચ્યો છે. આ મહામારીમાં અનેક તબીબોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, ત્યારે આજે ડોક્ટર્સ-ડે નિમિત્તે ઠેરઠેર મૃતક તબીબોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

Next Story