Connect Gujarat
દેશ

જમ્મુ કશ્મીર: 24 કલાકમાં 3 આતંકીઓને મરાયા ઠાર,સુરક્ષા દળોનું મોટુ ઓપરેશન

આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં અને જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો હતો.

જમ્મુ કશ્મીર: 24 કલાકમાં 3 આતંકીઓને મરાયા ઠાર,સુરક્ષા દળોનું મોટુ ઓપરેશન
X

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને જમ્મુ અને કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સેના અને સીઆરપીએફની 9 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યું છે, જ્યારે શ્રીનગરમાં એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કુલગામમાં ગઈકાલથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ વધુ એક આતંકીને ઠાર કર્યો છે. કુલગામમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ કમાન્ડર શિરાઝ મૌલવી અને યાવર ભટ્ટ તરીકે થઈ છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક AK-47 રાઈફલ મળી આવી છે.

આ પહેલા સાંજે જવાનોએ એક આતંકીને ઠાર માર્યો હતો. આ સિવાય શ્રીનગરના બેમિનામાં પણ એક આતંકવાદી મરાયો છે, જ્યાં સર્ચ ઓપરેશન પૂરું થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં માર્યા ગયેલા આતંકવાદીનું નામ અમીર રિયાઝ છે, જે મુજાહિદ્દીન ગજવાતુલ હિંદ નામના આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો. આમિર રિયાઝ ભૂતકાળમાં લથપોરા હુમલાનાં આરોપી આતંકવાદીનો સંબંધી હોવાનું કહેવાય છે. તો દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચવલગામમાં ગુરુવારે બપોરે 2 થી 3 આતંકવાદીઓની હિલચાલ અંગે માહિતી સુરક્ષા દળોને મળી હતી, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સેનાની 9 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પછી આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં અને જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો હતો. આ પછી આજે સવારે સુરક્ષા દળોએ વધુ એક આતંકીને ઠાર કર્યો છે.

Next Story