Connect Gujarat
દેશ

કર્ણાટક : મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાના રાજીનામાનો રાજયપાલે કર્યો સ્વીકાર

કર્ણાટક : મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાના રાજીનામાનો રાજયપાલે કર્યો સ્વીકાર
X

કર્ણાટકમાં ચાલી રહેલાં રાજકીય સસ્પેન્સનો મુખ્યમંત્રી બી.એસ.યેદુયુરપ્પાના રાજીનામા સાથે અંત આવ્યો છે. સોમવારના રોજ કર્ણાટકની ભાજપ સરકારને બે વર્ષ પુર્ણ થતાંની સાથે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું અને રાજયપાલ થાવરચંદ ગેહલોટે રાજીનામુ સ્વીકારી પણ લીધું છે.

ઉત્તરાખંડ બાદ ભાજપ હવે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન કરવા જઇ રહી છે.કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ સોમવારના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. સોમવારના રોજ રાજ્યમાં ભાજપની સરકારને બે વર્ષ પૂરાં થયાં છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા યેદિયુરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું હંમેશાં અગ્નિપરીક્ષામાંથી પસાર થયો છું. રાજયપાલ થાવરચંદ ગેહલોટે તેમના રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. બી.એસ.યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે તેમની પર હાઈ કમાન્ડનું કોઈ દબાણ નથી. મેં પોતે જ રાજીનામું આપ્યું છે. મેં કોઈના નામનું સૂચન કર્યું નથી. પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશ. કર્ણાટકની જનતાની સેવા કરવાની તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ તેમણે આભાર માન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યેદિયુરપ્પાની લિંગાયત સમુદાય પર મજબૂત પકડ છે. એવામાં તેમના રાજીનામા પછી ભાજપ માટે સૌથી મોટો પડકાર આ સમુદાયને સાધવાની હશે. રવિવારે જ વિવિધ લિંગાયત મઠોના 100થી વધુ સંતોએ યેદિયુરપ્પાની મુલાકાત કરીને તેમના સમર્થનની રજૂઆત કરી હતી. સંતોએ ભાજપને ચેતવણી આપી હતી કે જો તેમને હટાવવામાં આવ્યા તો પરિણામ ભોગવવાં પડશે. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની રેસમાં પ્રહલાદ જોશી, બી.એલ. સંતોષ, લક્ષ્મણ સવદી, મુર્ગેશ નિરાણી, વસવરાજ એતનાલ, અશ્વત નારાયણ, ડીવી સદાનંદ ગૌડા, બસવરાજ બોમ્મઈ, વિશ્વેશ્વરા હેગડે સામેલ છે.

Next Story