Connect Gujarat
દેશ

લખીમપુર ખીરી હત્યાકાંડ, મૃતકોના પરિવારને સરકાર 45 લાખ રૂા. આપશે..

ખીરીમાં કેન્દ્રીય મંત્રીના પુત્રએ વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડુતો પર કાર ફેરવી દેતાં આઠ ખેડુતોના મોત થયાં છે.

લખીમપુર ખીરી હત્યાકાંડ, મૃતકોના પરિવારને સરકાર 45 લાખ રૂા. આપશે..
X

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રીના પુત્રએ વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડુતો પર કાર ફેરવી દેતાં આઠ ખેડુતોના મોત થયાં છે. આ ઘટનામાં યુપીની ભાજપ સરકાર બેકફુટ પર આવી ગઇ છે. ખેડુતો અને વિપક્ષોના આક્રમણ સામે ઝુકેલી સરકારે મૃતકોના પરિવારોને 45 લાખ રૂપિયાની આર્થિક સહાય અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું છે કે, કોઇ પણ નેતા બહાર નીકળશે તો તેની ધરપકડ કરી લેવાશે.


ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં મંત્રીના પુત્રની કાર નીચે કચડાઇને મોતને ભેટેલા ખેડુતોના પરિવારને સરકાર 45-45 લાખ રૂપિયા આપશે. આ ઉપરાંત મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. આ સાથે, ઘટનાની ન્યાયિક તપાસ અને 8 દિવસમાં આરોપીની ધરપકડ કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે. આ તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. હિંસામાં ઘાયલ થયેલા લોકોને પણ 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષોએ ભાજપ તથા યુપી સરકારને ઘેરવા માટે તમામ તાકાત કામે લગાડી દીધી છે. ઘટનાના કલાકો બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોઇ નિવેદન સામે આવ્યું નથી. કેન્દ્રના ગૃહરાજયમંત્રીના પુત્રના કારસ્તાનના પગલે દેશના વડાપ્રધાન, યુપીના મુખ્યમંત્રી તથા ભાજપની આબરૂના લીરેલીરા થઇ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં સામી ચુંટણીએ બનેલી ઘટનાને ભાજપના યુપી સર કરવાના પ્રયાસોને ફટકો માર્યો હોય તેમ વર્તમાન સ્થિતિને જોતા લાગી રહયું છે. યુપીની ઘટના બાદ દેશભરમાં ખેડુતોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહયો છે.

Next Story