Connect Gujarat
દેશ

મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

મમતા બેનર્જીએ સોનિયા ગાંધીને મળતા પહેલા વિપક્ષી એકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, જો તમામ પ્રાદેશિક પક્ષો એક સાથે આવે તો એક પક્ષનો પરાજય થશે

મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
X

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે પાંચ દિવસીય દિલ્હી પ્રવાસના ત્રીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મમતાએ આ બેઠક એવા સમયે કરી છે કે જ્યારે વિપક્ષની એકતા અંગે સતત ચર્ચા ચાલી રહી છે. પેગાસસ, કૃષિ કાયદો અને મોંઘવારી મુદ્દા પર સંસદ ઠપ છે.

સોનિયા ગાંધીને મળ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, સોનિયા ગાંધી સાથેની મુલાકાત સકારાત્મક હતી. વિપક્ષી એકતા અને પેગાસસ ચર્ચા કરવામાં આવી હતી. વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. ભાજપને હરાવવા આપણે એક થવું પડશે. મમતાએ પેગાસસ વિશે કહ્યું કે સરકાર કેમ જવાબ નથી આપી રહી. સરકારે સંસદમાં જવાબ આપવો જોઇએ.

સોનિયા ગાંધીને મળતા પહેલા મમતાએ વિરોધી પક્ષોને એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધી વિરોધી પક્ષો એક થાય તેવું ઇચ્છે છે. કોંગ્રેસને પ્રાદેશિક પક્ષોમાં વિશ્વાસ છે.

મમતાએ વધુમાં કહ્યું કે, જો તમામ પ્રાદેશિક પક્ષો એક સાથે આવે તો એક પક્ષનો પરાજય થશે. 2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની એકતા અને ચહેરા અંગે તેમણે કહ્યું કે હું રાજકીય જ્યોતિષી નથી, તે પરિસ્થિતિ પર નિર્ભર છે; જો કોઈ અન્ય આગેવાની લે છે, તો તેમાં કોઈ સમસ્યા નથી.

ટીએમસી પ્રમુખે કહ્યું કે કોઈએ નેતૃત્વ કરવું પડશે. જ્યારે સમય આવશે ત્યારે ચર્ચા થશે. હું મારો અભિપ્રાય લાદવા માંગતી નથી. હું સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને મળી રહી છું. લાલુ યાદવે ગઈકાલે ફોન પર વાત કરી હતી. અમે રોજ વાત કરીએ છીએ. હમણાં ત્રણ વર્ષ છે. અમે ચર્ચા કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, મારે બધા માટે આદર છે. સોનિયા ગાંધી વિપક્ષની એકતા ઇચ્છે છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, "નરેન્દ્ર મોદી સાથે દેશની ટક્કર થશે. લોકશાહી બચાવવા માટે ચહેરાઓ આવશે. હું બનારસ, મથુરા, વૃંદાવન જઈશ. આ મારો દેશ છે."

મમતા બેનર્જી એનસીપીના સુપ્રીમો શરદ પવાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળવા જઈ રહી છે. જણાવી દઈએ કે મંગળવારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પછી, તેમણે કહ્યું કે કોરોના રસીકરણ અને બંગાળનું નામ બદલવા અંગે ચર્ચા થઈ છે.

મમતાએ મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ, અભિષેક મનુ સિંઘવી અને આનંદ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી. વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળમાં સત્તા પર રહેલી મમતા બેનર્જીની આ પહેલી દિલ્હી મુલાકાત છે.

Next Story