Connect Gujarat
દેશ

સેક્સ વર્કર્સને પરેશાન ન કરવા દેશભરની પોલીસને આદેશ: સુપ્રીમ કોર્ટે વેશ્યાવૃત્તિને માન્યો વ્યવસાય

સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોની પોલીસને આદેશ આપ્યો હતો કે તેમણે સેક્સવર્કર્સના કામમાં દખલગીરી ના દેવી જોઈએ.

સેક્સ વર્કર્સને પરેશાન ન કરવા દેશભરની પોલીસને આદેશ: સુપ્રીમ કોર્ટે વેશ્યાવૃત્તિને માન્યો વ્યવસાય
X

સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોની પોલીસને આદેશ આપ્યો હતો કે તેમણે સેક્સવર્કર્સના કામમાં દખલગીરી ના દેવી જોઈએ. કોર્ટે સેક્સવર્કને વ્યવસાય માનીને કહ્યું હતું કે પોલીસે વયસ્ક અને સહમતીથી સેક્સવર્ક કરનારી મહિલાઓ પર ગુનાહિત કાર્યવાહી ના કરવી જોઈએ.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેક્સવર્કર્સ પણ કાયદા અંતર્ગત ગરિમા અને સમાન સુરક્ષાના હકદાર છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાની બેન્ચે સેક્સવર્કર્સના અધિકારોને સુરક્ષિત કરવાની દિશામાં 6 નિર્દેશ આપતાં કહ્યું હતું કે સેક્સવર્કર્સ પણ કાયદાના સમાન સંરક્ષણના હકદાર છે. બેન્ચે કહ્યું હતું કે જ્યારે એ વાત સ્પષ્ટ છે કે સેક્સવર્કર વયસ્ક છે અને પોતાની મરજીથી આ કામ કરી રહી છે તો પોલીસે એમાં હસ્તક્ષેપ ના કરવો જોઈએ અને કોઈ ગુનાહિત કાર્યવાહી કરતાં પણ બચવું જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું, આ દેશની દરેક વ્યક્તિને બંધારણની કલમ 21 અંતર્ગત સન્માનજનક જીવન જીવવાનો અધિકાર છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે જ્યારે પોલીસ દરોડા પાડે ત્યારે સેક્સવર્કર્સની અટકાયત અથવા તેમને પરેશાન ના કરે, કારણ કે ઈચ્છાથી સેક્સવર્કર બનવું બંધારણીય ગુનો નથી, પરંતુ કુટણખાનું ચલાવવું ગેરકાયદે છે

કોર્ટે વધુમાં કહ્યું હતું કે કોઈ મહિલા સેક્સવર્કર છે, માત્ર એ કારણથી તેના બાળકને તેનાથી અલગ ના કરવું જોઈએ. મૌલિક સુરક્ષા અને સન્માનપૂર્ણ જીવનનો અધિકાર સેક્સવર્કર અને તેમનાં બાળકોને પણ છે. જો કોઈ સગીર કૂટણખાનામાં જોવા મળે અથવા સેક્સવર્કર સાથે રહેતું હોય તો એવું ના માનવું જોઈએ કે તે બાળકને અપહરણ કરીને ત્યાં લાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, કોર્ટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પણ યોગ્ય દિશા-નિર્દેશ જાહેર કરવાની અપીલ કરી છે, જેથી દરોડા, અટકાયત કે અન્ય કોઈ કાર્યવાહી દરમિયાન સેક્સવર્કરની ઓળખ જાહેર ના થાય. પછી ભલે તે પીડિત હોય કે આરોપી. એ ઉપરાંત એવી કોઈ તસવીરનું પ્રસારણ ના કરવું જોઈએ, જેના કારણે તેની ઓળખ જાહેર થાય.

સુપ્રીમ કોર્ટે રાજ્યોના શેલ્ટર હોમનો સરવે કરાવવાનો પણ આદેશ આપ્યો છે. જેથી જે વયસ્ક મહિલાઓની તેમની ઈચ્છા વિરુદ્ધ અટકાયત કરવામાં આવી છે તેમની સમીક્ષા કરવામાં આવે અને તેમને છોડાવવાની કાર્યવાહી કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે સેક્સવર્કર્સ તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જે વસ્તુઓનો ઉપયોગ કરે છે તેમને ગુનાહિત સામગ્રી ના માનવામાં આવે અને એને પુરાવા તરીકે રજૂ ના કરવી જોઈએ.

Next Story