Connect Gujarat
દેશ

સંસદમાં હંગામો: પીએમ મોદીએ કહ્યુ- સંસદ ન ચાલવા દેવી એ બંધારણ અને લોકતંત્રનું અપમાન

સંસદમાં હંગામો: પીએમ મોદીએ કહ્યુ- સંસદ ન ચાલવા દેવી એ બંધારણ અને લોકતંત્રનું અપમાન
X

મોનસૂન સત્રમાં વિપક્ષના હંગામાને વડાપ્રધાન મોદીએ બંધારણ અને લોકતંત્રનું અપમાન ગણાવ્યું છે. મંગળવાળે બીજેપી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સંસદ ન ચાલવા દેવાને બંધારણ અને લોકતંત્રનું અપમાન ગણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, સરકાર અને પાર્ટી સાંસદોએ એ તમામ પગલાં લેવા જોઈએ જેનાથી સંસદનું કામ સુચારુ રીતે ચાલી શકે. આ પહેલા બીજેપી સંસદીય દળની બેઠકમાં ઓબીસી વર્ગને મેડિકલના અભ્યાસમાં 27 ટકા અનામત અને આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત આપવા માટે સાંસદોને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરે જાણકારી આપતા કહ્યુ કે, સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સંબોધનની શરૂઆત સારા સમાચાર સાથી કરી હતી. આપણું જીએસટી કલેક્શન 1.16 લાખ કરોડ પહોંચી ગયું છે. ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રૉન્ઝ મેડલ જીત્યો અને હૉકી ટીમની સફળતા પર પીએમ મોદીએ વાત કરી હતી. મુરલીધરને કહ્યુ કે, સંસદના બંને ગૃહમાં વિપક્ષનો હંગામો સંસદનું અપમાન છે. જે વ્યક્તિએ કાગળ ઝૂટવી લીધો અને તેને ફાડી દીધો તેને તેનું પ્રાયશ્ચિત નથી. બિલ પાસ કરવા સંદર્ભે એક વરિષ્ઠ સાંસદ તરફથી કરવામાં આવેલી ટિપ્પણી અપમાનજનક છે.

મંત્રીએ કહ્યુ કે, પીએમ મોદીએ એ વાતને ફરીથી કહી હતી કે લોકોની મહત્વકાંક્ષા પૂરી કરવા માટે આપણે કોઈ કસર નહીં છોડીએ. આ સાથે જ વડાપ્રધાને ઈ-રૂપી (e-RUPI)ની વાત કરી હતી અને કહ્યુ કે તેનાથી લોકોને ખાસ ફાયદો થશે. તેમણે કહ્યુ કે, અનેક યોજનાઓનો ઉપયોગ અનેક બીજા ઉદેશ્ય માટે થઈ રહ્યો છે, પરંતુ ઈ-રૂપી આ તમામનું સમાધાન આવી જશે.

કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ ટીએમસીના રાજ્ય સભાના સાંસદ ડેરેક ઓ'બ્રાયન તરફથી સોમવારે કરવામાં આવેલા ટ્વીટનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, "વડાપ્રધાને તેને એ લોકોનું અપમાન ગણાવ્યું છે, જેમણે સાંસદને જીતાડ્યા છે. કાગળ ફાડવા, તેને ફેંકવા અને પછી માફી પણ ન માંગવી તે અહંકાર છે." બેઠક દરમિયાન પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને અન્ય નેતા સામેલ થયા હતા.

Next Story