Connect Gujarat
દેશ

દિલ્હી: કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને સૂચના

દિલ્હી: કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને સૂચના
X

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયની સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે જે-જે લોકોનાં મોત કોરોના વાયરસથી નીપજ્યાં છે સરકાર તેમના પરિવારોને વળતર આપે. જોકે આ વળતર કેટલું હોવું જોઇએ એ સરકારે નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે પણ માન્યું હતું કે કોવિડને કારણે જેટલા લોકોનાં મોત થયાં છે તેમને 4 લાખ રૂપિયાની સહાય કરવી મુશ્કેલ છે. જોકે સુપ્રીમ કોર્ટે આની સાથે NDMAને કહ્યું હતું કે એક એવી સિસ્ટમ બનાવવી જોઇએ જેનાથી ઓછામાં ઓછું વળતર આપી શકાય.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે કોવિડ સંદર્ભે ડેથ સર્ટિફિકેટ જાહેર કરે, જો સર્ટિફિકેટ પહેલેથી જાહેર કરાયાં હોય તો એમાં સુધારો કરવો જોઇએ. આ નિર્ણયની સુનાવણી કરતા સમયે સુપ્રીમ કોર્ટે NDMAના અધિકારીઓને ઠપકો આપ્યો હતો.આ કેસમાં ઘણી અરજદારોએ અપીલ કરી હતી કે કોરોના સંક્રમણથી જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે, તેમના પરિવારના સભ્યોને ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત 4 લાખ રૂપિયાની સહાય મળવી જોઇએ. આના સિવાય અરજદારો દ્વારા કોવિડ ડેથ સર્ટિફિકેટ અંગે ઘણા સવાલો પણ કરવામાં આવ્યા હતા, જે અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો.

જોકે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામું અપાયું હતું એમાં સરકારે આ અંગે અસમર્થ હોવાની જાણ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવું કરવું અશક્ય છે, સરકારનું ધ્યાન અત્યારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે મજબૂત કરવા કેન્દ્રિત છે.કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે 4 લાખ રૂપિયાનું વળતર કોઈ અકસ્માત કે ગંભીર પરસ્થિતિમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારના સભ્યોને આપવામાં આવે છે, મહામારીના સમયે આ પ્રમાણેની સહાય કરવી શક્ય નથી.

Next Story
Share it