Connect Gujarat
દેશ

લાલ કૃષ્ણ અડવાણીનો આજે છે જન્મદિવસ, જાણો કર્મઠ રાજકારણીના રાજકીય સફર વિશે

લાલ ક્રૃષ્ણ અડવાણી ભાજપના આર્યનમેન કહેવાતા હતા. હિંદૂ હૃદય સમ્રાટ કહેવાતા અડવાણીએ રામભક્તિની રાહ દેખાડી હતી.

લાલ કૃષ્ણ અડવાણીનો આજે છે જન્મદિવસ, જાણો કર્મઠ રાજકારણીના રાજકીય સફર વિશે
X

દેશની રાજનીતિમાં સાત દાયકા સુધી પોતાનો દબદબો કાયમ રાખનાર અડવાણીનો આજે 95નો બર્થ ડે છે. લાલ ક્રૃષ્ણ અડવાણી ભાજપના આર્યનમેન કહેવાતા હતા. હિંદૂ હૃદય સમ્રાટ કહેવાતા અડવાણીએ રામભક્તિની રાહ દેખાડી હતી. જેમના વિના અટલ બિહારી વાજપેયી અધૂરા હતા. અડવાણી સાત દસકા સુધી ભારતની રાજનીતિના સાક્ષી રહ્યા છે. તે એક યુગ હતો જયારે અડવાણી સંસદથી લઈ સડક સુધી બોલતા હતા તો અટકતા નહોતા.

ગાંધીનગરથી સાંસદ રહેલા અડવાણી ગુજરાત સાથે ઘરોબો ઘરાવે છે. અડવાણી 1991માં પહેલી વખત ગાંધીનગરથી ચૂંટણી લડ્યા. અડવાણી જયારે ગાંધીનગરથી ચૂંટણી લડતા ત્યારે અમિત શાહ તેમની પ્રચારની કમાન સંભાળતા. લાલકૃષ્ણ અડવાણીએ પહેલા જનસંઘ અને પછી ભાજપના માધ્યમથી રાષ્ટ્રવાદની વિચારધારાને આગળ વધારી. કોંગ્રેસની પ્રચંડ બહુમતી વાળી સરકાર સામે પણ મજબૂત વિપક્ષ તરીકે ઉભર્યા. અડવાણીની આ છબિ જ તેમને ભાજપના આર્યનમેનનું બિરુદ આપતી. જયશ્રી રામના નામથી નીકળેલી તેમની રથયાત્રાએ ભાજપને તે મુકામ પર પહોંચાડી કે હવે પાર્ટીને પાછા વળીને જોવાની જરૂર ન પડી..બે બેઠકોમાંથી પાર્ટીએ સદી લગાવી. પાર્ટી સત્તામાં આવી અડવાણી ગૃહમંત્રી અને બાદમાં નાયબ પ્રધાનમંત્રી બન્યા. કેન્દ્રમાં વાજપેયીની સરકાર બની તો ચહેરો વાજપેયી હતા પણ પડદા પાછળ રાજકીય ચાલ અડવાણીની હતી.

સોમનાથની રથયાત્રા, અડવાણી અને ભાજપની રાજનીતિનો ટર્નિગ પોઈન્ટ બની.અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા કાઢીને ભાજપની રાજનીતિની ધાર તેજ કરી.અડવાણીની રથયાત્રાએ દેશમાં હિન્દુત્વની લહેરને હવા આપી.અડવાણીએ દેશમાં બદલાઈ રહેલા મુડને પારખી લીધો હતો.રામજન્મભૂમિ આંદોલને વિખેરાયેલા રાષ્ટ્રવાદને ધર્મ સાથે જોડી એક હિન્દુ રાષ્ટ્રવાદને રાજકીય આંદોલનમાં પરિવર્તિત કર્યુ.અને ભારતમાં પહેલી વખત હિન્દુ રાષ્ટ્રવાદ સામૂહિક મુદ્દો બન્યો..સોમનાથથી શરૂ થયેલી રામ રથયાત્રા ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહારમાં પસાર થઈ અયોધ્યા સુધીની હતી. આ યાત્રા દરમિયાન જ બિહારમાં લાલુ પ્રસાદ યાદવે અડવાણીની ધરપકડ કરી હતી.

ભાજપની રાજનીતિને દેશભરમાં પહોંચાડવા માટે યાત્રા એક સબળ માધ્યમ રહ્યું. સોમનાથથી રામ રથયાત્રાથી દેશમાં એક માહોલ ઉભો કરાયો. ત્યાર બાદ 1993માં જનાદેશ યાત્રા, 1997માં સ્વર્ણ જયંતી રથયાત્રા, 2004માં ભારત ઉદય યાત્રા, 2006માં ભારત સુરક્ષા યાત્રા, 2011માં જન ચેતના યાત્રા અડવાણીજીના નેતૃત્વમાં નીકળી.

સંસદીય રાજનીતિમાં અડવાણી છેક 1991માં ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા. 1991, 1998, 1999, 2004, 2009 અને 2014 એમ કુલ છ વખત ગાંધીનગરથી વિજય મેળવી સંસદ પહોંચ્યા. 1991માં રથયાત્રાથી જુવાળ ઉભો કરનાર અડવાણી પ્રધાનમંત્રી પદના દાવેદાર મનાતા હતા, તેમનું નામ પણ જોરશોરથી ચાલતું હતુ.જો કે અડવાણીનું માત્ર નામ જ ચાલતુ રહ્યું પરંતુ તે દાવેદાર ન બની શક્યા. 1996 અને 1998માં પણ બાજપેયીની આભા હેઠળ અડવાણી ઢંકાઈ ગયા. સંઘના સ્વંયસેવકથી લઈને દેશના નાયબ પ્રધાનમંત્રી સુધી અડવાણી એક કર્મઠ રાજકારણી રહ્યા.

Next Story