Connect Gujarat
દેશ

ટોક્યો ઓલમ્પિક: બોક્સર સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો

ટોક્યો ઓલમ્પિક: બોક્સર સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો
X

બોક્સર સતીશ કુમારને ટોક્યો ઓલમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની સાથે જ ભારતીય પુરૂષ બોક્સર મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા છે. કુલ 5 બોક્સર ઓલમ્પિકમાં ઉતર્યા હતા. સતીશને ક્વાર્ટર ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના બોક્સર બખોદિર જલોલોવએ 5-0થી હરાવી દીધો. સતીશે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં જમૈકાના બોક્સર રિકાર્ડો બ્રાઉનને પછાડી દીધો હતો. આ પહેલા નંબર-1 અમિત પંધાલ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગયો હતો. જોકે, મેચથી પહેલા સતીશ કુમાર ઈજાગ્રસ્ત હતો અને તેને ટાંકા આવ્યા હતા. તેમ છતાંય તે મુકાબલા માટે રિંગમાં ઉતર્યો હતો. તે ત્રણ રાઉન્ડમાં જલોલોવ પર હાવી ન થઈ શક્યો.

સતીશ કુમારે 91 કિલો વર્ગના અંતિમ-16 મેચમાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને મ્હાત આપી હતી. તેણે 4-1થી મેચ પોતાના નામે કરી દીધી હતી. સતીશે પહેલો રાઉન્ડ 5-0, બીજો અને ત્રીજો રાઉન્ડ 4-1થી જીત્યો હતો. પરંતુ અંતિમ-8ના મુકાબલામાં સતીશની પાસે બખોદિર જલોલોવના હુમલાનો કોઈ જવાબ નહોતો. જોકે, ઈજાના કારણે તે સાચવીને રમી રહ્યો હતો.

ભારતીય પુરુષ ખેલાડીઓની વાત કરીએ તો પાંચમાંથી ત્રણ બોક્સર પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા. તેમાં મનીષ કૌશિક, વિકાસ કૃષ્ણન અને આશીષ કુમાર સામેલ છે. અમિત પંધાલને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હાર મળી હતી. જ્યારે હવે સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો છે. 2016 રિયો ઓલમ્પિકમાં પણ કોઈ ભારતીય બોક્સર મેડલ જીતી નહોતો શક્યો.

મહિલા બોક્સરની વાત કરીએ તો 4 ખેલાડીઓએ ઓલમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. માત્ર લવલીના બોરગોહને જ મેડલની રેસમાં છે, ત્રણ અન્ય બહાર થઈ ગઈ છે. લવલીના સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. પૂજા રાનીને ક્વાર્ટર ફાઇનલમાં હારી મળી, જ્યારે 2012ની બ્રોન્ઝ મેડાલિસ્ટ એમસી મેરીકોમ તથા સિમરનજીત કૌરને રાઉન્ડ-16માં હારનો સામનો કરવો પડ્યો હતો.

Next Story