Connect Gujarat
દેશ

ઉદ્ધવ સરકારની વિદાય નિશ્ચિત? ફડણવીસ બનશે સીએમ, શિંદે જૂથના 13 મંત્રીઓ બનશે

શિંદે જૂથને આઠ કેબિનેટ મંત્રી પદ આપવામાં આવશે, જ્યારે પાંચ ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવાની તૈયારી ચાલી રહી છે.

ઉદ્ધવ સરકારની વિદાય નિશ્ચિત? ફડણવીસ બનશે સીએમ, શિંદે જૂથના 13 મંત્રીઓ બનશે
X

મહારાષ્ટ્રમાં 31 મહિના જૂની ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (MVA) સરકારની વિદાય નજીક આવી રહી છે. સુપ્રિમ કોર્ટના નિર્ણયથી ભાજપ અને બળવાખોર છાવણીમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અહેવાલો અનુસાર, દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રાજ્યમાં ટૂંક સમયમાં નવી સરકારની રચના થઈ શકે છે. ભાજપ ઉપરાંત શિંદે જૂથના મંત્રીઓ તેમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સંભવિત નવી સરકારમાં ભાજપના 29 અને એકનાથ શિંદે જૂથના 13 મંત્રીઓ હશે.

શિંદે જૂથને આઠ કેબિનેટ મંત્રી પદ આપવામાં આવશે, જ્યારે પાંચ ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવાની તૈયારી ચાલી રહી છે. એકનાથ શિંદે, દાદા ભુસે, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર, ગુલાબરાવ પાટીલ, રાજેન્દ્ર પાટીલ, બચ્ચુ કડુ, સંદિપન ભુમરે, પ્રકાશ આબિડકર, ઉદય સામંત, સંજય રામુલકર, શંભુરાજ દેસાઈ અને સંજય શિરસાટ. જેમાંથી શિંદે, ઉદય સામંત, દાદા ભુસે, ગુલાબરાવ પાટીલ અને દીપક કેસરકર કેબિનેટ મંત્રી બની શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે જૂથ દ્વારા ડેપ્યુટી સીએમ પદની માંગ કરવામાં આવી રહી છે. જો કે આ અંગે હજુ સુધી સહમતિ બની નથી. સૂત્રોનું કહેવું છે કે ભાજપ અને શિવસેનાના બળવાખોર જૂથ ટૂંક સમયમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળશે અને જણાવશે કે ઉદ્ધવ સરકાર લઘુમતીમાં છે. આ સાથે એવી માંગ પણ કરવામાં આવશે કે તેઓ સરકારને વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવા માટે નિર્દેશ આપે. જો રાજ્યપાલ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે છે અને ઉદ્ધવ સરકારને બહુમતી સાબિત કરવાની સૂચના આપે છે,

તો ગુવાહાટી-મુંબઈ-દિલ્હીની આ ખુરશીની રેસનું ધ્યાન વિધાનસભા પર રહેશે. અહીં મહાવિકાસ અઘાડી અને ભાજપ અને શિંદે જૂથ વચ્ચે જબરદસ્ત શક્તિ પરીક્ષણ થશે. જો સીએમ ઉદ્ધવ ઠાકરે મુકાબલો ટાળવા માટે પગલાં લે છે, તો તેઓ રાજીનામું આપી શકે છે અને નવી સરકાર માટેનો રસ્તો સાફ કરી શકે છે, પરંતુ તે અસંભવિત છે, કારણ કે શિવસેના અને એનસીપી બળવાખોરોને મુંબઈ આવવા માટે પડકાર આપી રહ્યા છે.

Next Story