Connect Gujarat
દેશ

ફ્લોર ટેસ્ટ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરે આપ્યું રાજીનામું

મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગઈકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો

ફ્લોર ટેસ્ટ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરે આપ્યું રાજીનામું
X

આવતીકાલના ફ્લોર ટેસ્ટને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી ફ્લોટ ટેસ્ટ માટે મંજુરી આપ્યા બાદ મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધુ છે. સુપ્રીમના ચૂકાદા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ થઈ રાજીનામાની જાહેરાત કરી છે. ઉધ્ધવ ઠાકરે હવે રાજભવન પહોંચી ગયા છે, ટુંક સમયમાં રાજ્યપાલને મળી રાજીનામું સોંપશે.

ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી પદ છોડી રહ્યો છું, મને તેનાથી દુ:ખ નથી.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, CRPFની ટીમ અને અન્ય દળો મુંબઈ આવી રહ્યા છે. શું તમે શિવસૈનિકોના લોહીથી મુંબઈનો રસ્તો લાલ કરવા જઈ રહ્યા છો?

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગઈકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. રાજ્યપાલના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ફ્લોર ટેસ્ટ અટકાવીશું નહીં. કોર્ટે કહ્યું કે હાલમાં અમે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટને રોકી શકીએ નહીં. તેથી, નિયત સમય મુજબ આવતીકાલે 11 વાગ્યે ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે રાજ્યપાલના આદેશ પર રોક લગાવી શકીએ નહીં. અમે નોટિસ જારી કરીએ છીએ. તમે તેના પર કાઉન્ટર ફાઇલ કરી શકો છો. અન્ય કેસમાં 11મી જુલાઈના રોજ મેરિટના આધારે નિર્ણય લેવામાં આવશે.

કેબિનેટ મીટિંગમાં સીએમ ઠાકરેએ કહ્યું કે તમે અઢી વર્ષ મને સારો સાથ આપ્યો છે, પરંતુ આ અઢી વર્ષમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટીલે કહ્યું કે, "આજે મુખ્યમંત્રીએ અમારા ત્રણેય પક્ષોએ અઢી વર્ષમાં કરેલા સારા કામ માટે આભાર વ્યક્ત કર્યો છે. આવતીકાલે જો સુપ્રીમ કોર્ટ કહેશે કે વિશ્વાસ મત થશે તો નક્કી થશે કે આ બેઠક છેલ્લી છે કે નહીં.

Next Story