Connect Gujarat
ગુજરાત

જામકંડોરણાઃ RCC રોડનાં કામમાં ગેરરીતિ જણાતા લોકોએ કામ અટકાવ્યું, અધિકારીઓ દોડ્યા

જામકંડોરણાઃ RCC રોડનાં કામમાં ગેરરીતિ જણાતા લોકોએ કામ અટકાવ્યું, અધિકારીઓ દોડ્યા
X

સ્થળ ઉપર આવેલા અધિકારીઓએ પણ યોગ્ય તપાસ કરવાની બાંહેધરી આપી ઘટના ઉપર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો.

જામકંડોરણા તાલુકાના તરવડા ગામે આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું માલુમ પડતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ ભષ્ટાચારની આડ માં લોટ પાણી અને લાકડા જેવી કામગીરીને ગામના યુવાનોએ વિરોધ નોંધાવી આરસીસી રોડનું કામ બંધ કરાવી દીધુ હતું.

ભ્રષ્ટાચાર મુક્ત ભારતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે. છતાં છાસવારે ગુજરાતમાં જ વડાપ્રધાનનું સ્વપ્ન રોળાઈ જતું હોય તેમ નજરે પડે છે. ભ્રષ્ટાચારનો આવો જ એક કિસ્સો જામકંડોરણા તાલુકામાં સામે આવ્યો છે. જામકંડોરણા તાલુકાનાં તરવડા ગામમાં રૂપિયા 75 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવાની મંજુરી મળી હતી. આ આરસીસી રોડનું કામ ચાલુ થઈ જતાં સ્થાનિકોમાં પ્રાથમિક તબક્કે હાશકારો જોવા મળ્યો હતો. જોકે બાદમાં કોન્ટ્રાકટર દ્રારા ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનું માલુમ પડતાં લોકો રોષે ભરાયા હતા. આ આરસીસી રોડ નુ કામ બંધ કરી દેવા ની કોન્ટ્રાકટરો ને ફરજ પાડી દેવાઈ હતી.

ગામલોકો અને યુવાનોએ વિરોધ નોંધાવતાં રોડનું કામ બંધ થઈ જતાં તરવડા ગામે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અધિકારીઓ લોકો પાસે આજીજી કરતા નજરે ચડયા હતા. આ તબક્કે યુવાનોએ કરેલી વિડીયોગ્રાફી અધિકારીઓને બતાવતા કામની ગુણવત્તાને લઈને તેઓ પણ ભોંઠા પડ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સ્થાનિક લોકોએ માંગ કરી હતી કે આ કામની પુરી તપાસ થાય. અને જો તેમ થાય તો લાખોનો ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે. સ્થળ ઉપર દોડી આવેલા અધિકારીઓએ યોગ્ય તપાસ કરવાની બાંહેધરી આપી ઢાંકપીછોડો કર્યો હતો. કોન્ટ્રાકટર દ્રારા નિયમ વિરુદ્ધ કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છતા પણ ઉચ્ચ અધિકારીઓ આ ધટના ગંભીરતાને ધ્યાનમાં લઈ આરસીસી રોડનું કામ અટકાવવાની વાતનો ઢાંક પિછોડો કરતા હોય તેથી સ્થાનિક લોકોમાં ભારે કચકચાટ જોવા મળ્યો હતો.

Next Story