જામનગર : સુવિધાના મુદે વોર્ડ નં- 12ના કોર્પોરેટરના મનપામાં ધરણાં

જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 12માં માળખાકીય સુવિધાઓના મુદે સ્થાનિક કોર્પોરેટરોએ ભેદભાવપુર્ણ વર્તનનો આક્ષેપ કરી મ્યુનિસીપલ કમિશનરની ચેમ્બરની બહાર જ ધરણાં શરૂ કરી દીધાં છે.
જામનગરમાં વોર્ડ નંબર 12માં શાસક પક્ષ ભેદભાવ ભર્યુ વર્તન કરી અને લોકોને પ્રાથમિક સુવિધા આપતું ન હોવાનું કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો. વોર્ડ નંબર 12 માં છેલ્લા ઘણા સમયથી એલીડી લાઇટ બંધ હાલતમાં છે અને મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે કોર્પોરેટર જેનાબ ખફી અને તેના ત્રણ સાથીઓ ધરણા પર બેસી ગયા હતા.
અને જ્યાં સુધી એલઇડી લાઇટ મામલાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કમિશનરની ઓફિસ બહાર ધરણા ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમજ જો પ્રશ્નો આજે જ ઉકેલવામાં ન આવે તો આગામી દિવસો માં જલદ અને આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ધમકી આપી હતી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલે જણાવ્યું કે વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર દ્વારા જે માંગ કરવામાં આવી છે તે થોડા સમયમાં ઉકેલ લાવવામાં આવશે.