Connect Gujarat
ગુજરાત

ઝઘડિયાઃ ખરાબ રસ્તાઓના પગલે પ્રજા ત્રાહિમામ, ભાજપાના આગેવાનોએ કર્યા ધરણા

ઝઘડિયાઃ ખરાબ રસ્તાઓના પગલે પ્રજા ત્રાહિમામ, ભાજપાના આગેવાનોએ કર્યા ધરણા
X

ખરાબ રસ્તાના કારણે 18 ગામની જનતા માટેની એસટી સેવા બંધઃ વિદ્યાર્થી, વેપારી, ખેડૂતોને ભારે હાલાકી

ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લાથી પણેથા-વેલુગામના ખરાબ રસ્તાના કારણે ભાજપના તાલુકા પ્રમુખ તથા પક્ષ આગેવાનો દ્વારા આજથી અચોક્કસ મુદતના ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે. આ ખરાબ રસ્તાના કારણે 18 ગામની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખરાબ રસ્તાના કારણે એસ.ટી. વિભાગ દ્વારા બસના રૂટ પણ બંધ કરવામાં આવતા વિદ્યાર્થી, વેપારી, ખેડૂતો સહિતના તમામને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેના પગલે આ ધરણાનો કાર્યક્રમ યોજાયો છે.

ઝઘડિયા તાલુકા ભાજપાના પ્રમુખ નરેન્દ્ર વસાવા, આગેવાન રશ્મીકાંત પંડયા તથા આ વિસ્તારના આગેવાનો દ્વારા ઉમલ્લાથી પાણેથા-વેલુગામના ખરાબ રસ્તાના તાત્કાલિક સમારકામ હાથ ધરવા બાબતે આજરોજ 13 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતના ધરણા શરૂ કર્યા છે. ઉમલ્લાથી વડીયા, તલાવ, અશા, પાણેથા, વેલુગામ, નાના વાસણા, ઈંદોરનો રોડ ઓવરલોડ રેતીના વાહનના કારણે અત્યંત ખરાબ હાલતમાં આવી ગયો છે. રેતી માફીયાના ભોગ અઢાર ગામની જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે છતાં પણ જવાબદાર તંત્રના પેટનું પાણી હાલતુ નથી કારણ કે જવાબદાર તંત્રના પોલીસ આરટીઓ, ભુસ્તખાતાનો સીધો સંબંધ રેતી માફીયાઓ સાથે કેળવાયો છે. જેના ભોગે જનતા હાલાકી ભોગવી રહી છે.

આ બધી મીલીભગત સામે ભાજપના ઝઘડિયા તાલુકા પ્રમુખ નરેન્દ્ર વસાવા તથા ભાજપના આગેવાન રશ્મીકાંત પંડયા રસ્તાના તાત્કાલિક સમારકામ બાબતે આક્રમક બની અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે. બંન્ને ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને એક વિનંતી પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ઉમલ્લાથી પાણેથા વેલુગામ સુધીનો રસ્તો તદ્દન ભંગાર હાલતમાં હોય આ વિસ્તારની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે અને સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે. જનતા આ ગામથી બીજા ગામ અવરજવર કરી શકતી નથી. એસટી સેવા બંધ થઈ ગઈ છે.

Next Story