Connect Gujarat
Featured

જુનાગઢ : ગિરનાર પર્વત ખાતે કરાઇ દત્ત જયંતિની ભવ્ય ઉજવણી, સંતો-મહંતો સહિત આગેવાનો રહ્યા હાજર

જુનાગઢ : ગિરનાર પર્વત ખાતે કરાઇ દત્ત જયંતિની ભવ્ય ઉજવણી, સંતો-મહંતો સહિત આગેવાનો રહ્યા હાજર
X

જુનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત સ્થિત દત્તાત્રેય મંદિર ખાતે દત્ત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતો-મહંતો, સાંસદ સભ્ય અને મેયર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.

દેશભરમાં આજે દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જુનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત સ્થિત દત્તાત્રેય મંદિર ખાતે દત્ત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુ, નાના પીર બાબા ગણપત ગીરીબાપુની અધ્યક્ષતા માં ઉજવણી કરાઇ હતી. દત્ત જયંતિ નિમિત્તે પ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મોટા પીર બાવા તનસુખગીરી મહારાજે જણાવ્યું હતું કે, દત્ત જયંતિનો પ્રસાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મોકલવામાં આવશે. કારણ કે, અહી વડાપ્રધાન દ્વારા એશિયાનો સૌથી મોટો રોપ-વે બનાવી આપવામાં આવ્યો છે. જેનાથી આજે લાખો ભાવિકો ગિરનારની ટોચ પર ભગવાનના દર્શન કરી રહ્યા છે.

દત્ત જયંતિની ઉજવણી પ્રસંગે જુનાગઢના સંસદ સભ્ય રાજેશ ચુડાસમા, મેયર ધીરુ ગોહેલ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા સહિતના મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ મા અંબાના દર્શન કરી ભગવાન દત્તાત્રેયના પણ દર્શનનો લ્હાવો લીધો હતો. ઉપરાંત દત્ત જયંતિની ઉજવણી દરમ્યાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નવનિર્માણ પામેલ રોપ-વેની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા પણ તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવી હતી, જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભગવાન દત્તાત્રેયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story