Connect Gujarat
Featured

જુનાગઢ : ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો કરાયો પ્રારંભ, માત્ર 25 લોકોને મળી મંજૂરી

જુનાગઢ : ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો કરાયો પ્રારંભ, માત્ર 25 લોકોને મળી મંજૂરી
X

જુનાગઢમાં ગિરનાર પર્વતમાં યોજાતી લીલી પરિક્રમા કોરોનાના કારણે આ વર્ષે બંધ રાખવામાં આવી છે. પરંતુ સાધુ-સંતો અને પ્રશાસન દ્વારા વિધિવત રીતે પ્રતિકાત્મક વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા દરમ્યાન દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધવા આવતા હોય છે. પરંતુ આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે લીલી પરિક્રમાની મંજુરી નહીં આપતા પ્રતીક રૂપે પરંપરાગત પરિક્રમાનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશાસન દ્વારા 25 જેટલાં યુવાનોને પરિક્રમા કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ગિરનારની ગોદમાં દર વર્ષે 5 દિવસ સુધી મેળો યોજાય છે. પરંતુ કોરોનાના કારણે સમગ્ર દેશમાં મેળા અને ઉત્સવોને બંધ રાખવામાં આવતા જુનાગઢ ખાતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાનો મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે, ત્યારે સાધુ-સંતો અને પ્રશાસન દ્વારા રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે સાદગી પૂર્વક દત્ત ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુનાગઢ જિલ્લા કલેક્ટર, કમિશનર, મનપા મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો નાશ થાય અને લોકો તંદુરસ્ત જીવન જીવે તેવી ગિરનાર મંડળના અધ્યક્ષ અને રાષ્ટ્રવાદી સંત ઇન્દ્રભારતી મહારાજે પ્રાર્થના કરી હતી.

દર વર્ષે દેવ ઉઠી અગિયારસની રાત્રિએ ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે, ત્યારે આ વર્ષે કોરોનાના કારણે લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે. જોકે પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમાનું સુકન જળવાઈ રહે તે માટે 25 જેટલા યુવાનોને વહીવટી તંત્ર દ્વારા લીલી પરિક્રમા કરવાની મંજૂરી અપાતા વિધિવત રીતે પરિક્રમાના રૂટ ઉપર પ્રયાણ કરાવવામાં આવ્યો હતો.

Next Story