Connect Gujarat
Featured

જુનાગઢ : મેઇન ગેટ પરથી છલાંગ લગાવી સિંહનો હોટલમાં પ્રવેશ, સિંહની લટારના દ્રશ્યો CCTVમાં કેદ

જુનાગઢ : મેઇન ગેટ પરથી છલાંગ લગાવી સિંહનો હોટલમાં પ્રવેશ, સિંહની લટારના દ્રશ્યો CCTVમાં કેદ
X

જુનાગઢ શહેર વચ્ચે સિંહના આંટાફેરાના કારણે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોમાં ભયનો રોમાંચ છવાયો છે, ત્યારે શહેરની એક પ્રખ્યાત હોટલમાં રાત્રિ દરમ્યાન સિંહનો પ્રવેશ થતાં દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગિરનું જંગલ છોડીને સિંહ હવે માનવ વસાહતમાં આવી ચઢે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારોમાં સિંહની લટારથી લોકોમાં પણ ભયનું લખલખું પસાર થઇ ગયું છે. જુનાગઢ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી હોટલ સરોવર પોર્ટીકોમાં ગત તા. 8મી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારના સમયે સિંહનો પ્રવેશ થયો હતો, જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. હોટલના મેઇન ગેટ પરથી સિંહ છલાંગ લગાવી હોટલના એન્ટરન્સ અને પાર્કિંગ એરિઆમાં લટાર મારતા નજરે પડે છે.

જોકે સિંહને બહાર જવાનો રસ્તો ન મળતાં 40 સેકન્ડ સુધી હોટલમાં આમ તેમ આંટાફેરા મારી તે ફરી હોટલના મેઇન ગેટ પરથી છલાંગ લગાવી બહાર જતો રહે છે, ત્યારે હોટલનો ગેટ ખખડવાનો અવાજ આવતા સિક્યુરિટીએ પણ સિંહને બહાર નીકળતા જોયો હતો. જોકે સરદારપરા વિસ્તારમાંથી સિંહ રેલ્વે કોલોનીમાં થઈ હોટલમાં પ્રવેશ કર્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે સિંહ કોઇ વ્યક્તિને ઇજાગ્રસ્ત બનાવે તે પહેલા વન વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારમાં લટાર મારતા સિંહને સહિ સલામત રીતે પકડી જંગલમાં મુક્ત કરે તેવી લોકમાંગ માંગ ઉઠવા પામી છે.

Next Story