Connect Gujarat
Featured

જુનાગઢ : સિંહ બાદ હવે દિપડા માટે રેડિયો કોલર પ્રોજેકટ હાથ ધરાયો, જુઓ વન વિભાગની કામગીરી..

જુનાગઢ : સિંહ બાદ હવે દિપડા માટે રેડિયો કોલર પ્રોજેકટ હાથ ધરાયો, જુઓ વન વિભાગની કામગીરી..
X

વર્ષ 2019માં ગીર પંથકમાં 75 જેટલા સિંહોને રેડિયો કોલર પહેરાવ્યા બાદ હવે વન વિભાગે દીપડા પર આ પ્રયોગ હાથ ધર્યો છે, જોકે વન્ય પ્રાણીઓના માનવ સાથે બનતા ઘર્ષણના બનાવોના કારણે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત સાસણમાં 5 દીપડા પૈકી 2 દીપડાને રેડિયો કોલર પહેરાવીને જંગલમાં મુક્ત કરાયા હતા.

છેલ્લા ઘણા સમયથી ગીર પંથક સહિત આસપાસના વિસ્તારમાં દીપડાના માનવ સાથે ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે દીપડાનું મોનીટરીંગ કરવા માટે સિંહની માફક દીપડાને પણ રેડિયો કોલર પહેરાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. પ્રાથમિક તબક્કે જ્યાં માનવ ઘર્ષણના બનાવો વધુ બને છે તેવા વિસાવદર, કોડીનાર અને જશાધાર વિસ્તારના 5 દીપડાને રેડિયો કોલર પહેરાવવાના પ્રોજેક્ટ હેઠળ 2 દીપડાને સફળતાપૂર્વક રેડિયો કોલર પહેરાવ્યા બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં વધુ 3 દિપડાને રેડિયો કોલ પહેરાવામાં આવશે.

વર્ષ 2016ની ગણતરીએ ગીરના 3 જિલ્લામાં 600થી વધુ દીપડાની વસ્તી છે. વર્ષ 2019માં ગીરમાં 75 સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા હતા, ત્યારે એક વર્ષ દરમ્યાન તેમના ડેટા લઈને 50 સિંહના ગળામાંથી રેડિયો કોલર રીમુવ કરવામાં આવ્યા છે. હાલ 50 સિંહના ગળામાં રેડિયો કોલર હજુ યથાવત છે. જોકે જર્મનીથી ખાસ મંગાવવામાં આવેલા આ રેડિયો કોલરની કિંમત 5 લાખ રૂપિયા છે. અત્યાર સુધીમાં સિંહ, ગીધ, ખડમોરને રેડિયો કોલર પહેરાવીને તેના પર રીસર્ચ ચાલી રહ્યું છે, ત્યારે હવે દીપડાને રેડિયો કોલર પહેરાવીને તેની મુવમેન્ટ પર નજર રાખી શકાય તે માટેનું આયોજન કરાયું છે. જેમાં સાસણ ખાતે આવેલ હાઈટેક મોનીટરીંગ સેન્ટર ખાતે દીપડાની પળેપળની જાણકારી કલેક્ટ કરવામાં આવશે. તો સાથે જ દીપડાની અવર-જવરના વિસ્તાર, દિવસ-રાતની મુવમેન્ટ સહિતની માહિતી પરથી ભવિષ્યમાં સારા પરિણામો મેળવી શકાશે તેમ છે.

Next Story