Connect Gujarat
Featured

જુનાગઢ : જેતપુર ડાંઈગ ઉદ્યોગના પ્રદૂષણનું પાપ છેક જુનાગઢ પહોચ્યું, જુઓ ગ્રામજનોએ કેમ કર્યું ઓઝત નદીનું પૂજન..!

જુનાગઢ : જેતપુર ડાંઈગ ઉદ્યોગના પ્રદૂષણનું પાપ છેક જુનાગઢ પહોચ્યું, જુઓ ગ્રામજનોએ કેમ કર્યું ઓઝત નદીનું પૂજન..!
X

રાજકોટ જિલ્લાના જેતપુર ડાંઈગ ઉદ્યોગના કારણે જુનાગઢ નજીકથી પસાર થતી 3 જેટલી નદીઓમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ત્યારે જુનાગઢના 52 જેટલા ગામના ગ્રામજનોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ઓઝત નદીનું પૂજન કરીને નબળા વહીવટી તંત્રની આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લાના જેતપુર ડાઇંગ ઉદ્યોગ દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવતા વિરોધનો વંટોળ ઉભો થયો છે, ત્યારે જુનાગઢ જિલ્લાની ભાદર, ઉબેણ અને ઓઝત નદીમાં પ્રદૂષણ ફેલાતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે પ્રદૂષણ બોર્ડ ડાઇંગ ઉદ્યોગના ઘૂંટણિયે પડી ગયું હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા છે. જળ પ્રદૂષણથી ખેતર અને લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટો ખતરો ઉભો થયો છે, ત્યારે ગુરુવારના રોજ ખેડૂત રક્ષક સમિતિ દ્વારા નદી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 52 ગામના ગ્રામજનોએ નદીનું પૂજન કરી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

જુનાગઢ જિલ્લાના 52 ગામડાઓના ખેતરમાં જેતપુરના ડાઇંગ ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પહોંચી ગયું છે. પ્રદૂષણના પાપીઓના પાપ જેતપુરથી લઈને ઘેડ પંથક સુધી પહોંચી ગયા છે, ત્યારે આગામી સમયમાં પ્રદૂષણ બોર્ડ અને વહીવટી તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. જોકે ગ્રામજનોએ નદીના પૂજનથી નદી બચાવો અભિયાન શરૂ કર્યું છે, ત્યારે આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

Next Story