Connect Gujarat
ગુજરાત

કવાંટ - ઉમંગ અને ઉત્સાહ સાથે આદિવાસીઓએ ઉજવ્યો ગેરનો મેળો

કવાંટ - ઉમંગ અને ઉત્સાહ સાથે આદિવાસીઓએ ઉજવ્યો ગેરનો મેળો
X

વડોદરા - છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળીનાં તહેવારનું મહત્વ દિવાળી કરતા પણ વધારે હોય છે. આદિવાસી સમૂદાયના લોકો હોળીનો તહેવાર અતિ ઉત્સાહ અને ઉમંગ સાથે રંગેચંગે ઉજવે છે. તેમની હોળી એક દિવસ નહીં પરંતુ, એક પખવાડિયા સુધી ચાલે છે.

હોળીના ઉત્સવ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં ઠેરઠેર મેળા પણ યોજાય છે આવો જ એક અનોખો મેળો ગઈકાલે કવાંટમાં ઉજવાઈ ગયો. કવાંટમાં ઉજવાયેલા આ મેળાનો આદિવાસીઓ ગેરનો મેળો કહે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના પ્રયાસોને પગલે હવે કવાંટનો ગેરનો મેળો વિશ્વ પ્રસિધ્ધ થઈ ચુક્યો છે. આ મેળાને માણવા અને તેમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવા માટે દેશ વિદેશથી મહેમાનો કવાંટ આવે છે. મેળામાં આદિવાસીઓની ભાતિગળ પરંપરા અને અનોખા રિતીરિવાજોનો અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ પણ અહીં આવતા હોય છે.

ગઈકાલે યોજાયેલા ગેરના મેળાને જોઈને દેશના જુદાજુદા શહેરો તથા વિદેશથી આવેલા મહેમાનો અચંબિત થઈ ઉઠ્યાં હતા. આદિવાસી ટોળીઓની ખાસ વેશભૂષા અને વિશેષ નાચ-ગાન જોઈને તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

આદિવાસી ટોળીઓમાં શામેલ કોઈ વ્યક્તિએ શરીરને કાળી મેશથી રંગ્યુ હતુ અને કોઈકે પોતાના માથે મોરપિચ્છનો મુંગટ સજાવ્યો હતો. કોઈકે મસ્તક ઉપર પત્નીની તસવીર રાખી હતી તો કોઈ, માથે અરિસો મુકીને આવ્યુ હતુ.

આદિવાસીઓના હાથમાં ઢોલ, નગારા, ત્રાસા, પાવા અને વાંસળી જેવા વાંજિત્રો હતા. આ વાજિંત્રો દ્વારા તેઓ ખાસ પ્રકારનું સંગીત વગાડીને પોતાની ટોળીને મનોરંજન પુરુ પાડતા હતા. લગભગ આઠેક કલાક સુધી ચાલેલા આ મેળામાં આદિવાસીઓએ પોતાના ઉત્સાહ અને આનંદનો રંગ ભર્યો હતો અને હોળીના તહેવારને ફરી એકવાર રંગીન બનાવી દીધો હતો.

Next Story