Connect Gujarat
ગુજરાત

કરજણના ધારાસભ્યએ પોતાના મતવિસ્તારોમાં કરી સરપ્રાઈઝ વિઝિટ

કરજણના ધારાસભ્યએ પોતાના મતવિસ્તારોમાં કરી સરપ્રાઈઝ વિઝિટ
X

શાળા અને આરોગ્ય કેન્દ્રોમાં જઈને પરિસ્થિતિનું જાત નિરિક્ષણ કર્યું, લોકનાં પ્રશ્નો સાંભળ્યા

કરજણ -શિનોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના મતવિસ્તારોંની ઓચિંતી મુલાકાત લઈ શાળાઓ, આરોગ્ય કેન્દ્ર તથા બેંકોની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યુ હતું. અક્ષય પટેલે સાંસરોદ, વલણ, મિયાગામ વગેરે ગામોમાં જઇ શાળાઓ, આરોગ્ય કેન્દ્ર તથા બેંકોની મુલાકાત બાદ લોકોનાં પ્રશ્નો પણ સાંભળ્યા હતા.

વલણ ખાતે આરોગ્ય કેન્દ્રમાં જઇ નિરીક્ષણ કરતા કેટલીક ફરિયાદો લોકોએ કરી હતી. જેમાં આરોગ્ય કેન્દ્રમાં અસુવિધાઓ બાબતે ધારાસભ્યનું ધ્યાન દોર્યુ હતું. ત્યારબાદ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા તેઓએ વર્ગોમાં ફરી શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સીધો સંવાદ કરી બાળકોના અભ્યાસ વિશે જાણકારી મેળવી હતી. જેમાં ઘણી બધી ત્રુટીઓ જણાઇ આવી હતી. શાળાની વિઝિટ બુકમાં તેઓએ નોંધ પણ કરી હતી.

બાદમાં વલણની બેંક ઓફ મહારાષ્ટ્ર શાખાની મુલાકાત લઇ ખાતેદારોના પ્રશ્નો સાંભળી અને મુખ્યત્વે ઘણા લાંબા સમયથી ખાતેદારોને એ ટી એમ ના અભાવે પડી રહેલી અસુવિધા બાબતે બેંક મેનેજર સાથે ચર્ચા કરી વહેલી તકે એ ટી એમ સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે સંબંધિતોને જાણ કરી ખાતેદારોને પડતી હાલાકી દુર કરાવવા બાબતે રજુઆત કરી હતી. અંતે ધારાસભ્યએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર, શાળા તથા બેંકના કનડતા પ્રશ્નો બાબતે સંબંધિતોનું ધ્યાન દોરી નિરાકરણ લાવવા ખાત્રી ઉચ્ચારી હતી.

Next Story