Connect Gujarat
Featured

ખેડા : ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવે છે “ખીચડી”, જાણો શું છે તેનું ધાર્મિક મહાત્મય..!

ખેડા : ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવે છે “ખીચડી”, જાણો શું છે તેનું ધાર્મિક મહાત્મય..!
X

અનેક અવનવી વાનગીઓ માટે ભારતભરમાં ગુજરાત રાજ્ય ખૂબ જાણીતું છે. જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે બનતી ખીચડી દેશભરમાં વખણાય છે. ડાકોર ખાતે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતી ખીચડી તા. 16 ડિસેમ્બરથી તા. 15 જાન્યુઆરી દરમ્યાન બનાવવામાં આવે છે. જેનું સ્વાદ રસિકોમાં અનેરું મહત્વ રહેલું છે.

ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતી ખીચડી સુકા મેવાથી ભરપૂર હોય છે. જેમાં કાજુ, બદામ, લવિંગ, ખારેક, પિસ્તા, દ્રાક્ષ અને ગરમ મસાલાનો સમાવેશ થાય છે. તુવેરની દાળ અને જેટલા ચોખા એટલા જ ઘીમાં ખીચડી બનાવવામાં આવે છે. ઉપરાંત ખીચડી સાથે ભરેલા રવૈયાનું શાક અને કઢી ભગવાનને ધરાવવામાં આવે છે. આ ખીચડીને ધનુમાસની ખીચડી પણ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ તા. 16 ડિસેમ્બરથી તા. 15 જાન્યુઆરી સુધી સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ હોવાથી આ માસને ધનુમાસ કહેવાય છે.

ડાકોર મંદિર ખાતે ધનુમાસ દરમ્યાન ધનુમાસની ખીચડી બનાવી રાજા રણછોડને ધરાવવમાં આવતી હોય છે. ડાકોરના નગરજનો દ્વારા આ ખીચડી મોટી-મોટી વાડીઓ અને ધર્મશાળામાં બનાવમાં આવે છે. ઉપરાંત ડાકોર બહાર રહેતા પોતાના સ્વજનોને આમંત્રણ પાઠવી ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. ડાકોરમાં ધનુમાસ દરમ્યાન આશરે 50થી 60 લાખ રૂપિયાના ખર્ચે ખીચડી બનાવી સ્વજનોને પીરસવામાં આવે છે. ડાકોરમાં બનતી ખીચડી આમ તો અહીં આરોગીને ગયેલા લોકો પોતાના ગામમાં બનાવે છે, પરંતુ લોકોનું માનવું છે કે, જે સ્વાદ ડાકોરમાં આવે છે તે સ્વાદ બહાર કોઈ જગ્યાએ આવતો નથી.

ધનુમાસ દરમ્યાન સવારે મંગળા આરતી બાદ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. આ માસમાં ભગવાનની મંગળા આરતીનો સમય પણ બદલી સવારે 6.15 કલાકનો રાખવામાં આવે છે, જ્યારે ખીચડીનો ભોગ 8 વાગ્યાના અરસામાં ધરાવવામાં આવે છે. જોકે વર્ષમાં આ એક જ મહિનો એવો છે કે, જેમાં ભગવાન ખીચડી આરોગતા હોય છે, ત્યારે ભાવિકો પણ હોંશે હોંશે આ સ્વાદિષ્ટ ખીચડી પ્રસાદીરૂપે આરોગે છે.

Next Story