Connect Gujarat
Featured

ખેડા : ડાકોરના રણછોડરાયની હાથી ઉપર નીકળી સવારી, ભક્તોએ અબીલ ગુલાલની છોળો ઉડાવી મનાવ્યો રંગોત્સવ

ખેડા : ડાકોરના રણછોડરાયની હાથી ઉપર નીકળી સવારી, ભક્તોએ અબીલ ગુલાલની છોળો ઉડાવી મનાવ્યો રંગોત્સવ
X

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે હોળી અને પૂનમ ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે અમલાકી અગિયારસ નિમિત્તે ભગવાન રણછોડરાય હાથી ઉપર સવાર થઇ ભક્તો સાથે અબીલ ગુલાલ સહીતના રંગો સાથે રમી રંગોત્સવ મનાવ્યો હતો.

ડાકોરમાં હોળી અને પૂનમ ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઇ ચુક્યો છે, જેમાં પ્રથમ દિવસે એક લાખ લોકોએ ભગવાન રણછોડરાયના દર્શન કર્યા હતા. સાંજના સમયે ભગવાન રણછોડજી હાથી ઉપર સવાર થઇ નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાનની શોભાયાત્રા દરમ્યાન હજારો ભક્તો સહિત વિવિધ ભજન મંડળીઓ પણ અબીલ ગુલાલની છોળો સાથે ઉમટી પડ્યા હતા. હોળી ઉત્સવ દરમ્યાન 5 દિવસ સુધી ભગવાન વિવિધ ભોગો સાથે સોના અને ચાંદીની પીચકારી અને અબીલ ગુલાલ સહીત ભક્તો સાથે રંગોત્સવ માનવશે. હોળીના બીજા દિવસે એટલે કે, ધૂળેટીના દિવસે ફૂલડોળ સુધી આ રંગોત્સવ ઉજવાશે.

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા અગિયારસના પવિત્ર દિવસે ભક્તોને ખુશીના સમાચાર આપ્યા છે. જેમાં રણછોડજીના દર્શને વર્ષ દરમ્યાન વિવિધ ઉત્સવ અને પ્રસંગો સહિત આવતા કરોડો દર્શનાર્થીઓ માટે ૧૦ કરોડનો આકસ્મિક વીમો લીધો છે. જે કુદરતી અને માનવ સર્જિત આફતોમાં ભક્તોને વીમા કવચ પૂરું પાડશે. કોઈ એક બનાવમાં આ વીમામાંથી મંદિરની અંદર ભોગ બનનાર ભક્તોને અઢી કરોડ સુધીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે. દ્વારકા બાદ ડાકોરમાં દર્શનાર્થીઓ માટે ૧૦ કરોડનું વીમા કવચ આપવામાં આવતા ભક્તોમાં અને ખાસ કરીને હોળી દર્શન કરવા આવતા પદયાત્રીઓમાં ભારે ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.

Next Story