કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા પણ આ શું ઐતિહાસિક ઇમારતો જ છે જર્જરીત

સરકાર ભલે પ્રચાર કરતી હોય કે કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા. પણ કચ્છ જિલ્લામાં આવેલી ઐતિહાસિક ઇમારતો અને સ્થાપત્યો પુરાતત્વ વિભાગની બેદરકારીના કારણે આજે ખંડેર હાલતમાં છે. જેને જોઈને ક્ચ્છવાસીઓની લાગણી દુભાય રહી છે, ત્યારે આ ઐતિહાસિક સ્થળોનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ક્ચ્છએ રાજાશાહી સમયનો ઐતિહાસિક જિલ્લો છે. અહીં અનેક પ્રાચીન સ્થાપત્યો, ઐતિહાસિક ઇમારતો, રક્ષિત સ્મારકો આવેલા છે. કચ્છમાં આવેલા અનેક હેરિટેજ સ્થાપત્યો આજે બિસ્માર હાલતમાં છે, જે એક હકીકત છે. ભુજની વાત કરીએ તો અહીં પ્રાગ મહેલ અને આઈના મહેલ આવેલો છે. અને તે હેરિટેજની દ્રષ્ટિએ બેનમૂન ઇમારત છે પણ યોગ્ય જાળવણીના અભાવે અહીં સ્થાપત્યો જર્જરિત થઈ રહ્યા છે. દરબાર ગઢનો રાણીવાસ અને છતરડી તળાવ કે જયાં અનેક ફિલ્મો ભજવાઇ ચુકી છે તેની પણ જાળવણીમાં તંત્ર નિષ્ફળ રહયું છે.
ભુજીયો ડુંગર ભુજની ઓળખ છે અને તેની દીવાલો પણ ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતીમાં આવી ચુકી છે. ભુજ - નખત્રાણા હાઇવે પર પુઅરેશ્વર મહાદેવ મંદિર તેમજ લાખા ફુલાણીએ બંધાવેલું લાખેશ્વર મહાદેવ મંદિર પણ જર્જરિત છે. તો લખપતમાં કિલ્લો, અબડાસામાં હેરીટેજ સ્થાપત્યો, વાગડમાં ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિઓ આવેલી છે, તો અંજાર શહેરને પણ ભુલી શકાય તેમ નથી.
ક્ચ્છ જિલ્લો હેરિટેજ તરીકે વખણાય છે, પરંતુ અહીંના સ્થાપત્યો જાળવણીના અભાવે અસ્તિત્વ સામે જંગ ખેલી રહયાં હોય તેમ લાગી રહયું છે. કચ્છમાં પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે, પરંતુ અહીં આવેલા પ્રાચીન સ્મારકોની કોઈ સંભાળ લેવાતી નથી. પુરાતત્વ વિભાગ પણ માત્ર બોર્ડ લગાવવા પૂરતી કામગીરી કરે છે, જેથી લોકોમાં પણ રોષની લાગણી છે. ઐતિહાસિક ઇમારતના વિકાસ માટે કે સમારકામ માટે આજદિન સુધી સરકારે કે તંત્રએ કોઈ પગલાં ભર્યા નથી. ત્યારે કચ્છમાં આવેલી સેંકડો ઐતિહાસિક ઇમારતો, સ્થાપત્યો, બેનમૂન કલા કારીગરીને ઉજાગર કરવા માટે તાત્કાલિક ધોરણે આવા સ્થાપત્યોનું નવીનીકરણ અને મરામત કરવામાં આવે અન્યથા આવી ઇમારતો પડી જશે તો કચ્છનો ભવ્ય ભૂતકાળ વિસરાઈ જશે તેવી ભીતી જાણકારો વ્યકત કરી રહયાં છે.