Connect Gujarat
Featured

કચ્છ : પોલીસના કથિત મારનો ભોગ બનેલાં બીજા યુવાનનું પણ મોત, સોમવારે મુંદ્રા બંધનું એલાન

કચ્છ : પોલીસના કથિત મારનો ભોગ બનેલાં બીજા યુવાનનું પણ મોત, સોમવારે મુંદ્રા બંધનું એલાન
X

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદોને ઉઠાવીને લોકઅપમાં ઢોર માર માર્યો હતો. જે પૈકી એકનું કસ્ટડીમાં અને અન્ય એકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. બે યુવકોના મોત થયા બાદ ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ સંદર્ભમાં મુંદ્રા પોલીસ વિવાદમાં સપડાય છે. પોલીસ કર્મચારીઓએ ત્રણેય શકમંદોને કસ્ટડીમાં લઇ ઢોર માર માર્યો હતો. પોલીસના કથિત મારના પગલે ત્રણમાંથી બે યુવાનોના મોત થઇ ચુકયાં છે. એસપી સૌરભ સિંઘે જણાવ્યું છેકે, કસ્ટોડિયલ ડેથ અને સારવાર દરમિયાન યુવકના મોત મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતાને જોઇને એ દિશામાં તપાસ ચાલી રહી છે અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને પકડવા માટે એસઓજી, એલસીબી, ડીવાએસપી અને તેમની અન્ડરમાં આવતા પોલીસ સ્ટેશનમાંથી ટીમ બનાવવામાં આવી છે. જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી લઇને અત્યારસુધી અમે આરોપીઓને પકડવામાં લાગી ગયા છીએ.

પોલીસ ટોર્ચરને કારણે ઘાયલ થયેલા બે યુવાનોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.અને તેમાંથી પણ એક એવા હરજોગ હરિ ગઢવી (ઉ.વ 22 રહે સમાઘોઘા) નું આજે બપોરે સોળ દિવસની સારવાર બાદ મોત નિપજતાં ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. માંડવીના કાઠડા ચારણ સમાજે બે યુવાનોની હત્યા કરી નાંખનારા પોલીસ કર્મચારીઓની ધરપકડ નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ગઢવી સમાજના આગેવાન અને કોંગ્રેસના પ્રવકતા પી.સી. ગઢવીએ પણ પોલીસ દમનને સખત શબ્દોમાં વખોડી નાંખ્યું છે.

બે દિવસ અગાઉ અખિલ કચ્છ ચારણ સમાજે પોલીસને જવાબદાર એવા પાંચે ભાગેડુ આરોપીઓને 72 કલાકમાં દબોચી લેવાનું અલટીમેટમ આપ્યું હતું. નહીંતર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.પરંતુ પોલીસે ટૂંક સમયમાં સંતોષકારક કામગીરી કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.તેવામાં ફરી એક યુવાન મોતને ભેટતાં નગરમાં અજંપાભર્યા વાતાવરણે આકાર લીધો છે. બીજી તરફ અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ પોલીસના કૃત્યને શરમજનક અને કલંકિત ગણાવ્યું હતું. તેમણે ગઢવી સમાજની લડતને ટેકો જાહેર કર્યો છે.

Next Story