કચ્છ : ભુજની પોસ્ટ કચેરીમાં રૂ. 8.25 કરોડની ઉચાપત મામલે 3 સબ પોસ્ટ માસ્ટર સસ્પેન્ડ

કચ્છ જિલ્લાના ભુજ શહેરની રાવલવાડી પોસ્ટ કચેરીમાં સામે આવેલા રૂપિયા 8.25 કરોડના આર્થીક કૌભાંડ મામલે પોસ્ટ વિભાગે અંતે કાર્યવાહી કરી છે. જેમાં પોસ્ટના આઇ.ડી. અને પાસવર્ડનો ખોટો ઉપયોગ કરી આ ઉચાપત કરાતા 3 સબ પોસ્ટ માસ્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ભુજમાં પોસ્ટ વિભાગમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે મુખ્ય 2 સુત્રધાર એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ એજન્ટ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. જોકે કેટલાક ખાતેદારના પૈસા ગ્રાહકોને આપવાના બદલે પોસ્ટ કર્મચારીઓએ સીધા એજન્ટને આપ્યા હતા. ત્યારબાદ તેનો દુરઉપયોગ કરી પોસ્ટ વિભાગના કર્મચારીઓની મિલીભગતથી રૂપિયા 8.25 કરોડ કૌભાંડ આચરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે, ત્યારે કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ સુધી કોઈ રકમ પરત આવી નથી જે અંગે પણ પોસ્ટ વિભાગ કાર્યવાહી કરી રહ્યુ છે. તો સાથે જ મિલકતો સિઝ કરવા સંદર્ભે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ભુજ પોસ્ટ વિભાગે આ મામલે ખાતેદારોને જાહેર અપિલ કરી છે કે, 673 ખાતાની અત્યાર સુધી પોસ્ટ વિભાગે તપાસ કરી છે. તો કુલ 142 ખાતા એવા પણ મળેલા છે જેની પાસબુક જમા થઈ નથી, ત્યારે ગ્રાહકો આવી પાસબુક તપાસ માટે આપે જેથી ખાતાની ખરાઇ કરવામાં આવે અને તેની જમા-ઉધારની તપાસણી કરી શકાય. ગ્રાહકોને આ બુક જમા કરવાની બદલે રસિદ પણ આપવામાં આવશે. જોકે પોસ્ટના કર્મચારી સાથે મિલીભીગતથી આ કૌભાંડ આચારયું હોવાનું સ્પષ્ટ થઇ ગયુ છે. જેમાં નાણાં રીકવર કર્યા બાદ પોસ્ટ વિભાગ દ્વારા પોલિસ કાર્યવાહી પણ કરવામાં આવશે. તો સાથે જ તપાસનીશ મુખ્ય અધિકારીએ ખાતેદારોને તપાસમાં સહકાર આપવા પણ અપિલ કરી છે.