Connect Gujarat
Featured

કચ્છ : માસિક ધર્મ વિશે વિવાદિત નિવેદન કરનારા સંતની તરફેણમાં ભુજ ખાતે નીકળી વિશાળ રેલી

કચ્છ : માસિક ધર્મ વિશે વિવાદિત નિવેદન કરનારા સંતની તરફેણમાં ભુજ ખાતે નીકળી વિશાળ રેલી
X

કચ્છ જિલ્લાના ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીની માસિક ધર્મ મુદ્દે વિવાદિત ટિપ્પણીવાળી વિડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેથી સંત સામે ઘણા લોકોએ ફિટકાર વરસાવ્યો હતો, ત્યારે મંદિર દ્વારા સ્વામીને શબક શીખવાડવાના બદલે તેમને સમર્થન આપતી રેલી અને ધર્મસભા યોજવામાં આવી હતી.

ભુજ મંદિરના સંત કૃષ્ણસ્વરૂપદાસજીની એક વર્ષ જૂની ક્લિપ હાલમાં ખૂબ વાયરલ થઈ છે. જેમાં તેઓ માસિક ધર્મમાં આવેલી સ્ત્રીના હાથનો રોટલો ખાઈએ તો આવતા જન્મે બળદનો અવતાર મળે તેવું નિવેદન આપી રહ્યા છે. જે નિવેદન સામે ચોમેરથી લોકોએ ફિટકાર વરસાવા સાથે સંત સમાજની નિંદા કરી હતી, ત્યારે સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતોએ પણ ચૂપકીદી સેવી સંતના નિવેદનને છાવરવામાં આવતા હોવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મંદિરના સાધુ અક્ષર પ્રકાશદાસજીએ આ મુદ્દે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, ભુજ મંદિર કે સંતો કોઈ ધર્મ પાળવા બાબતે ભક્તો પર દબાણ કરતા નથી. સભામાં સંત કૃષ્ણસ્વરૂપદાસજીએ માસિક ધર્મ મુદ્દે જે નિવેદન આપ્યું હતું તે વ્યક્તિગત છે, જે મામલે સંતને ટકોર કરાઈ છે. સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીએ શાસ્ત્રોના દ્રષ્ટાંત વર્ણવ્યા છે, પરંતુ લોકોમાં ગેરસમજ ઉભી થઈ હતી. અમુક વિઘ્નસંતોષીઓ દ્વારા મંદિરની છબી ખરડવાનો પ્રયાસ થયો છે. સત્સંગી પ્રવૃતિઓને બદનામ કરવા પ્રયત્નો કરાયા છે, ત્યારે ભુજ મંદિરમાં હરિભક્તોની સભા યોજી મંદિરથી બસ સ્ટેશન, જ્યુબિલી સર્કલ થઈ કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે વિશાળ રેલી કાઢી હતી.

જો કે મંદિરના સાંખ્યયોગી સામબાઈએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ધર્મમાં કોઈને નિયમો પાળવા દબાણ કરાતું નથી. ધર્મની પ્રણાલિકા પ્રમાણે રહીએ છીએ અને સંપ્રદાયમાં ભક્તિનો ધોધ છે. સ્વામીની જે વિડિઓ ક્લિપ વાયરલ થઈ છે, તેમાં ધર્મના શાસ્ત્રો પ્રમાણે વાત થઈ છે. દુનિયા વિશાળ છે, નારાજગી હોય તો તમામને પહોંચાય નહિ તેવી વાત જણાવી બચાવ કર્યો હતો. મહિલાઓ સ્વેચ્છાએ માસિકના નિયમો પાળે છે, ત્યારે નોંધનીય છે કે, દીકરીઓના સમર્થનમાં રેલી કાઢવાના બદલે સ્વામીના સમર્થનમાં રેલી નીકળતા ટીકા થઈ હતી.

Next Story