કચ્છ : “કેડીસીસી કૌભાંડ”માં નવો ખુલાસો, મુખ્ય સૂત્રધારની પુત્રીના ખાતામાં રૂ. 10 કરોડનો થયો હતો વ્યવહાર

0
569

કચ્છની કેડીસીસી બેંકમાં આચરાયેલા કૌભાંડ અંગે CID ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે, ત્યારે સમગ્ર કૌભાંડમાં નવા ખુલાસા સામે આવ્યા છે. જેમાં કુલ 16 જેટલી મંડળીઓની સંડોવણી બહાર આવી હતી, જ્યારે 36 બોગસ મંડળીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ક્ચ્છ ડિસ્ટ્રિક્ટ કોમર્શિયલ બેંકમાં ખેડૂતોના નામે બોગસ લોન લઈ નાણાકીય ગેરરીતિ આચરાઈ હતી. જેનો મુખ્ય સૂત્રધાર જયંતિ ઠક્કર ઉર્ફે ડુમરાવાળો છે. જે જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં જેલ હવાલે છે. આ કૌભાંડનો પર્દાફાશ થવાની બીકે જ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. હાલ CID ક્રાઇમની ટીમે તાજેતરમાં અબડાસા અને માંડવીમાંથી 8 જેટલી મંડળીના 26 આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યાર બાદ તેઓને વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા હતા.

મળતી માહિતી અનુસાર, હજી પણ એક ટીમ કચ્છ જિલ્લામાં કેડીસીસી કૌભાંડ મામલે તપાસ કરી રહી છે. કેડીસીસી બેંકમાં કરોડોના આર્થિક વ્યવહાર બાદ બંધ પડેલા ખાતાઓની તપાસ શરૂ કરાઇ છે. જયંતિ ઠક્કરની પુત્રીના ખાતામાં પણ 10 કરોડના વ્યવહાર થયા હતા. ઉપરાંત મુંબઈની ભદ્રેશ એગ્રોમાં પણ એક દિવસમાં 32 કરોડ ટ્રાન્સફર થયા હતા. જયંતિ ઠક્કરે પુત્રી અને ભદ્રેશ એગ્રોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, ત્યારે ભુજના એક જાગૃત નાગરિકે આ બાબતે જણાવ્યું હતું કે, મુંબઇથી બોગસ માણસો બોલાવી ખોટા પુરાવાઓના આધારે કૌભાંડ આચરાયુ છે. જેમાં જયંતિ ઠક્કરની સંડોવણી છે. હજી 36 બોગસ મંડળીઓની તપાસ થશે અને 10 જેટલી ફરિયાદો હજી પણ થવાની શક્યતા દર્શાવી સમગ્ર કૌભાંડ કરોડોમાં આંબે તેમ જણાઈ રહ્યું છે, ત્યારે ડમી પેઢીમાં રૂપિયા જમા કરાવી કૌભાંડને અંજામ અપાયો છે, તો તપાસ દરમ્યાન વધુ નવા ખુલાસા થવાની વકી સેવાઇ રહી છે.

બાઈટ :

હેનરી જેમ્સ ચાકો -જાગૃત નાગરિકLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here